NDRFની ટીમો છે તૈયાર ‘અસાની’ વાવાઝોડાને પહોંચી વળવા
દેશ પર મંડરાયેલું પહેલું વાવાઝોડું અસાની આજે નબળું પડે તેવી શક્યતા છે. ભારતીય હવામાન ખાતાએ મંગળવારે આ જાણકારી આપી. વાવાઝોડાના પગલે આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં અમુક ઠેકાણે ભારે વરસાદ પડે તેવી આગાહી છે. અસાનીની અસરને પહોંચી વળવા માટે પ્રભાવિત વિસ્તારોમાં NDRF દ્વારા કુલ ૫૦ ટીમો તૈનાત કરાઈ છે. જેમાંથી ૨૨ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રમાં તૈનાત કરાઈ છે. જ્યારે બાકીની ૨૮ ટીમોને રાજ્યોમાં અલર્ટ રહેવા જણાવ્યું છે.
પ્રવક્તાના જણાવ્યાં મુજબ બંગાળના કાંઠા વિસ્તારોમાં ૧૨ ટીમો જ્યારે આંધ્ર પ્રદેશમાં ૯ અને ઓડિશાના બાલાસોરમાં એક ટીમ તૈનાત છે. એક ટીમમાં સામાન્ય રીતે ૪૭ જવાનો હોય છે. જે ઝાડ કાપવાના ઔજાર, સંચાર ઉપકરણો, પ્રાથમિક સારવાર માટેના જરૂરી સાધનો અને રબરની હોડીઓથી લેસ હોય છે.
હવામાન ખાતા તરફથી જણાવવામાં આવ્યું છે કે વાવાઝોડું પોતાની તીવ્રતાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ચૂક્યું છે અને હવે ધીરે ધીરે તે નબળું પડી રહ્યું છે. તેમણે કહ્યું કે પ્રચંડ ચક્રવાતી તોફાનમાંથી નબળું પડીને તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને ગુરુવાર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.ચક્રવાતી તોફાની અસાનીના આંધ્ર પ્રદેશ તરફ આગળ વધવાની સાથે જ હવામાન વિજ્ઞાન વિભાગે મંગળવારે રાજ્યના કાંઠા વિસ્તારો માટે તોફાન, અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, આંધી અને પવન ફૂંકાવવા તથા સ્થાનિક વિસ્તારોમાં પુરને જોતા રેડ અલર્ટ પણ જાહેર કરેલું છે. જો કે અસાનીના લેન્ડફોલ થવાની શક્યતા નથી. અસાની પશ્ચિમ- મધ્ય અને તેની નજીક દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં છે જે મંગળવારે ૨૩ કિમી પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું. બપોરે ૨.૩૦ વાગે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીની ઉપર કાકીનાડા (આંધ્ર)થી લગભગ ૨૧૦ કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં, વિશાખાપટ્ટનમ (આંધ્ર)થી ૩૧૦ કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં, ગોપાલપુર (ઓડિશા)થી ૫૯૦ કિમી દક્ષિણ-પશ્ચિમમાં અને પુરીથી ૬૪૦ કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્રિત હતું.