નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ગુજરાત અને દીવ-દમણને 50-50 હજારનો રૂપિયાનો દંડ ફટકાર્યો
- ભૂગર્ભજળમાં આર્સેનિક અને ફ્લોરાઇડની ઉપસ્થિતિને લઇને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલની સુઓમોટો
- ભૂગર્ભજળમાં 25 રાજ્યોમાં આર્સેનિક અને 27 રાજ્યોમાં ફ્લોરાઇડની ઉપસ્થિતિ
- સંબંધિત રાજ્યોને જવાબ આપવા માટે અપાઇ હતી નોટિસ
દેશના ભૂગર્ભજળમાં આર્સેનિક અને ફ્લોરાઇડની ઉપસ્થિતિને લઇને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સુઓમોટો નોંધી હતી, આ સંદર્ભે સંબંધિત રાજ્યોને જવાબ આપવા માટે આદેશ કર્યો હતો. આ સંદર્ભે નિર્ધારિત સમયમાં જવાબ ન આપવા પર ગુજરાત અને દીવ-દમણ પ્રત્યેકને ટ્રિબ્યુનલે 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પ્રતિવાદીઓ
વિગત પ્રમાણે 25 રાજ્યોમાં ભૂગર્ભજળમાં આર્સેનિક અને 27 રાજ્યોમાં ફ્લોરાઇડની ઉપસ્થિતિના સમાચાર નવેમ્બર 2023માં પ્રકાશિત થયા હતા. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 230 જિલ્લાઓ અને 25 રાજ્યોના ભાગોમાં ભૂગર્ભજળમાં આર્સેનિક મળી આવવા અને 469 જિલ્લાઓ અને 27 રાજ્યોના કેટલાંક ભાગોમાં ફ્લોરાઇડ મળી આવવાને લઇ સુઓ-મોટો નોંધી હતી. જેમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 20 ડિસેમ્બર, 2023ના આદેશ દ્વારા સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રતિવાદીઓ તરીકે સામેલ કર્યા હતા અને તેમને એક મહિનાની અંદર જવાબ દાખલ કરવા માટે નોટિસ જારી કરી હતી.
ગુજરાત અને દીવ- દમણ વતી જવાબો દાખલ ન કરાયા
જ્યારે 7 ઓગસ્ટ, 2024ના રોજ આ મામલો હાથ ધરવામાં આવ્યો, ત્યારે એવું ધ્યાનમાં આવ્યું કે ઝારખંડ નાગાલેન્ડ, ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ સહિત કેટલાક રાજ્યો વતી જવાબો દાખલ કરવામાં આવ્યા ન હતા, તેથી, ટ્રિબ્યુનલે નિર્દેશ આપ્યો છે કે જે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ અત્યાર સુધી રિપોર્ટ્સ ફાઇલ કર્યા નથી, તેઓ ચાર અઠવાડિયામાં રિપોર્ટ્સ ફાઇલ કરશે, આમ ન કરવા પર ડિફોલ્ટર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સંબંધિત અધિક મુખ્ય સચિવ/પીએચઈ વિભાગના મુખ્ય સચિવ આગામી સુનાવણીની તારીખે વર્ચ્યુઅલી ટ્રિબ્યુનલ સમક્ષ હાજર રહેશે.
ઉપરોક્ત નિર્દેશો છતાં, ગુજરાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ વતી અહેવાલો દાખલ કરવામાં આવ્યા ન હતા કે તેમના અધિક મુખ્ય સચિવ/મુખ્ય સચિવ વર્ચ્યુઅલી હાજર થયા ન હતા. જેને લઇને 19 નવેમ્બર, 2024ના રોજ ટ્રિબ્યુનલ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો કે ઉપરોક્ત નિર્દેશ છતાં, આ ત્રણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશે જવાબ દાખલ કર્યો નથી કે તેમના PHE વિભાગના અધિક મુખ્ય સચિવ/મુખ્ય સચિવ વર્ચ્યુઅલી હાજર નથી. આ ત્રણ રાજ્યો, એટલે કે નાગાલેન્ડ, ઝારખંડ અને ગુજરાત અને દમણ અને દીવનું એક કેન્દ્રશાસિત પ્રદેશ વારંવાર નિર્દેશો છતાં જવાબ આપી રહ્યા નથી. તેથી, ટ્રિબ્યુનલ પાસે આગામી સુનાવણીની તારીખે આ ત્રણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના PHE વિભાગના મુખ્ય સચિવને વ્યક્તિગત રીતે હાજર રહેવાનો નિર્દેશ આપવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.
PHE વિભાગના મુખ્ય સચિવ દ્વારા ફરીથી અવગણના
એનજીટીના અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવની આગેવાનીમાં થયેલી સુનાવણી દરમિયાન જાણવા મળ્યું કે, ઉપરોક્ત નિર્દેશને ગુજરાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવના PHE વિભાગના મુખ્ય સચિવ દ્વારા ફરીથી અવગણવામાં આવ્યો છે. તેમના દ્વારા અત્યાર સુધી રિપોર્ટ દાખલ કરવામાં આવ્યા નથી અને ન તો તેઓ સુનાવણીએ હાજર રહ્યાં ન હતા. ગુજરાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવના PHE વિભાગના મુખ્ય સચિવ દ્વારા ટ્રિબ્યુનલના આદેશોનું સંપૂર્ણ અવગણના અને પાલન કરવામાં આવ્યું નથી.
ગુજરાત અને દીવ-દમણ પ્રત્યેકને 50,000 રૂપિયાનો દંડ ફટકારાયો
આ મામલે નોટિસ જારી થયાને બે વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ વારંવાર તક આપવા છતાં ગુજરાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ દ્વારા જવાબ દાખલ કરવામાં આવ્યો નથી. ત્યારે ઉપરોક્ત સંજોગોમાં, ગુજરાત રાજ્યના પર્યાવરણ સચિવ તેમજ દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશ પર પ્રત્યેકને 50,000 રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે. આ દંડ બે અઠવાડિયામાં ટ્રિબ્યુનલના રજિસ્ટ્રાર જનરલ સમક્ષ જમા કરાવવાનો રહેશે.
ઉપરોક્ત બાબતોને આધીન, ગુજરાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવના પર્યાવરણના મુખ્ય સચિવને તેમનો જવાબ દાખલ કરવા માટે વધુ ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. આ બાબતે 16 જુલાઇ, 2025ના રોજ સુનાવણી હાથ ધરાશે.