ઈસરોના વૈજ્ઞાનિકોને મળીને મોદી રોકી ન શક્યા ખુશીના આંસુ
બેંગલુરુ: 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગની ચંદ્રયાન-3 ની ભવ્ય સિદ્ધિને પગલે, આજે શનિવારે સવારે એક આનંદની ક્ષણ જોવા મળી, જ્યારે ભારતીય અવકાશ સંસ્થા (ISRO) ટીમના વૈજ્ઞાનિકોને મળવા વડાપ્રધાન અહીં પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીની આંખો આનંદથી છલકાઈ ગઈ અને તેઓ પોતાના આંસુ રોકી શક્યા નહીં.
વડાપ્રધાન મોદીએ આજે અહીં ચંદ્રયાન-3 ટીમ અને ઈસરોના અન્ય વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી અને વાતચીત કરી. ISROના અધ્યક્ષ એસ સોમનાથે તેમને વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરના અપડેટ્સ વિશે જાણકારી આપી.
આંસુ ભરેલા અવાજમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, “’હું દક્ષિણ આફ્રિકામાં હતો પરંતુ મારું મન વૈજ્ઞાનિકો સાથે હતું. હું પહેલા વૈજ્ઞાનિકોને મળવા માંગતો હતો.”
અગાઉ, વડા પ્રધાને અહીં એચએએલ એરપોર્ટની બહાર એક સભાને સંબોધિત કરીને “જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન” ના નારા લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમણે બેંગલુરુમાં જે ચિત્ર જોયું તે જ ચિત્ર તેમણે ગ્રીસ અને જોહાનિસબર્ગમાં જોયું હતું. ખરેખર આશ્ચર્યજનક છે કે તમે બધા અહીં છો અને ત્યાં સુધી કે બાળકો પણ વહેલી સવારે અહીં આવ્યા છે.
આ પ્રસંગે એરપોર્ટની સામેના રસ્તાઓ પર સ્થાનિક કલાકારો નૃત્ય કરતા અને ઢોલ વગાડતા જોવા મળ્યા હતા. લોકોએ ચંદ્રયાન-3 મિશનની ઉજવણી કરી હતી. ચંદ્રયાન-3ની ચંદ્ર ઉતરાણની સફળતા અને વડાપ્રધાનના આગમનની ઉજવણી માટે ધ્વજ અને પોસ્ટરોને લહેરાવવામાં આવ્યા હતા.