મોદીએ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 1 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કરતા કહ્યું છે કે આ મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ હશે.
રવિવારે ઓલ ઈન્ડિયા રેડિયો પર તેમના માસિક કાર્યક્રમ મન કી બાતમાં દેશવાસીઓને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે G-20 સમિટ દરમિયાન વિશ્વના નેતાઓ બાપુને શ્રદ્ધાંજલિ આપવા માટે એકસાથે રાજઘાટ પહોંચ્યા હતા. બાપુના વિચારો આજે પણ વિશ્વભરમાં કેટલા પ્રાસંગિક છે તેનો આ મોટો પુરાવો છે.
તેમણે કહ્યું કે ગાંધી જયંતિ નિમિત્તે દેશભરમાં સ્વચ્છતાને લગતા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની તમામ કચેરીઓમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ જોરશોરથી ચાલી રહ્યું છે. ઈન્ડિયન સેનિટેશન લીગમાં પણ ઘણી સારી ભાગીદારી જોવા મળી રહી છે.
મોદીએ કહ્યું, “આજે હું ‘મન કી બાત’ દ્વારા તમામ દેશવાસીઓને એક વિનંતી પણ કરવા માંગુ છું – 1 ઓક્ટોબર, રવિવારના રોજ સવારે 10 વાગ્યે સ્વચ્છતા પર એક મોટો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. તમારે પણ તમારો સમય કાઢીને સ્વચ્છતા સંબંધિત આ અભિયાનમાં મદદ કરવી જોઈએ. તમે તમારી શેરી, મહોલ્લા, ઉદ્યાન, નદી, તળાવ કે અન્ય જાહેર સ્થળે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શકો છો અને જ્યાં પણ અમૃત સરોવર બનાવવામાં આવ્યું છે ત્યાં સ્વચ્છતા અવશ્ય કરવી જોઈએ. સ્વચ્છતાનું આ કાર્ય ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ હશે.