પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા લાખો લિટર પાણી રોડ પર વહી ગયું
ઉનાળામાં પાણી નું સાચું મહત્વ ખબર પડે છે, પણ અમુક વખત પાણી નો બગાડ પણ મોટા પ્રમાણ માં જોવા મળતો હોય છે તેવોજ એક કિસ્સો અમદાવાદ માં જોવા મળ્યો હતો. ત્યારે શહેરમાં ખાનગી એજન્સીઓને કંપની દ્વારા કામગીરી માટે બેફામ જોયા વગર ખોદકામ કરવાની પરમિશન આપી દેવામાં આવતાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયુ છે ને મોટા પ્રમાણ માં પાણી નો બગાડ પણ જોવા મળ્યો હતો. અમદાવાદના જશોદાનગર ચાર રસ્તા પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી રોડ પર વહી ગયું હતું.
ટોરેન્ટ કંપની દ્વારા ખોદકામ કરી અને કામગીરી કરવામાં આવતી હતી તે દરમિયાન આ ભંગાણ સર્જાયું છે. વટવા જીઆઈડીસી થી જશોદાનગર આવતા માર્ગ પર ઈન્દુલાલ યાજ્ઞિક ઓવરબ્રિજની બાજુમાં પીએફ સ્કુલના ગેટ નજીક પીવાના પાણીની પાઈપલાઈનમા પાણીનો સપ્લાય શરૂ થતાની સાથે જ ઉંચા ફુવારાઓ ઉડીને પાણી રોડ પર વહેવા લાગ્યું હતું. અડધો કિલોમીટર જશોદાનગર જીઆઈડીસી પોલીસ ચોકીથી ફાયરબ્રિગેડ થઈને કેનાલ નજીકની ગટર લાઈન સુધી તેનો રેલો ગયો હતો. લાખો લીટર પીવાના પાણીનો વેડફાટ થતા જશોદાનગર સર્કલ પાણી પાણી થઈ ગયું હતું.
જશોદાનગર સર્કલથી નજીક વિશાળ પાણીની ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી અને ઓફિસ આવેલી હોવા છતા સવારે આઠ વાગ્યા સુધી પણ વોટર એન્ડ સુએજ ખાતાના કોઈ અધિકારી કે કર્મચારીઓ પાણીના બગાડને અટકાવવા માટે ફરક્યા પણ ન હતાં એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનું અપુરતું પ્રેશર આવતું હોવાની ફરિયાદો વચ્ચે વોટર ખાતાની અને ખાનગી ટોરેન્ટ કંપનીની બેદરકારીને લીધે લાખો લીટર પીવાનું ચોખ્ખું પાણી સીધું જ ગટરમાં વેડફાઈ જતા નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે.