દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
અમદાવાદ: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, નવસારી, વલસાડ, સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોરબી, સુરેંદ્રનગર, જામનગર અને દ્વારકા, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ, ભરૂચ, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, નર્મદા, બોટાદ, પોરબંદર, રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના મતે પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસશે. આજે સુરત, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઇ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તે સિવાય સુરેંદ્રનગર, જામનગર, જૂનાગઢમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. ઉપરાંત અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.
અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલીમાં ૧૪ ઇંચ, વિસાવદરમાં ૧૩ ઇંચ જૂનાગઢ શહેરમાં ૧૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે. ૨૦ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ગઈકાલે ૨ જૂલાઇના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪૩ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. જેમાં ૩૨ તાલુકાઓ એવા છે કે જેમાં ૦૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.