સાબરમતી નદીની સફાઈમાં તંત્ર નિષ્ફળ
સાબરમતી નદીમાં નર્મદાનાં શુધ્ધ પાણીની આવક બંધ થતાં અને ગટરનાં પાણી છોડવાનુ ચાલુ રહેતાં નદીમાં લીલ અને વનસ્પતિ ઉગી ગઇ છે. જેના કારણે નદીનું સ્થિર પાણી દુર્ગંધ મારે છે. જો વહેલી તકે સાબરમતી નદીમાં પાણી છોડવામાં નહીં આવે તો નદી સૂકી ભઠ બની જવાની શક્યતા છે. તેમજ આ પ્રદુષણની અસર અમદાવાદીઓના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે.સાબરમતી નદી દિવસે દિવસે પ્રદૂષિત થઈ રહી છે. ત્યારે તંત્ર તેની સફાઈ અને જાળવણીમાં નિષ્ફળ જણાઈ રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ બાબતે નિષ્ક્રિય જોવા મળ્યું છે. બંને વિભાગના અધિકારીઓને સાબરમતીમાં થતાં પ્રદૂષણને રોકવામાં સહેજ પણ રસ ન હોય તેવું જોવા મળ્યું છે. ખાસ તો હાઇકોર્ટની ટકોર બાદ પણ સાબરમતીનું પ્રદૂષણ ન અટકતા સ્વૈચ્છિક સંસ્થાઓ હવે એક્શનમાં આવી છે. સાબરમતી નદી પ્રદૂષિત થવા અને તેની સફાઈ મામલે હવે પ્રાઈવેટ સંસ્થાએ બીડું ઝડપ્યું છે. ઉત્તર પ્રદેશથી “ગંગા સમગ્ર” નામની સંસ્થાના અગ્રણી અને સ્વયંસેવકો અમદાવાદ પહોંચ્યા છે. ગંગાની સફાઇ બાદ સાબરમતી સફાઇ કરવા બાબતે “ગંગા સમગ્ર” કામગીરી કરવા સંકલ્પ લીધો છે. આજે સાબરમતીની આરતી કરીને સાબરમતી સ્વચ્છતાનું અભિયાન “ગંગા સમગ્ર” દ્વારા શરૂ કરાયુ છે.