વડોદરાનું મંજુસર ગામ હવે એક સંસ્થાની મદદથી કચરામુક્ત બનશે
ઘન કચરો હવે શહેરો અને ગામડાઓમાં મોટી સમસ્યા બની રહ્યો છે. જોકે, હવે સંશોધનો અને આધુનિક ટેકનોલોજીના કારણે કચરામાંથી વિવિધ ચિજવસ્તુઓનુ ઉત્પાદન થઇ રહ્યું છે. જેમાં ખાતર, પેવરબ્લોક, બાકડા જેવી અનેકવિધ વસ્તુઓ બની રહી છે, ત્યારે “કચરે સે આઝાદી ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે મંજુસર ગામને કચરાથી આઝાદી અપાવવા સાથે ગામના લોકોને રોજગારી મળે તે માટે ગામમાંથી ભીનો અને સુકો કચરો એકઠો કરી તેમાંથી પેવરબ્લોક, બાકડા જેવી વિવિધ ચિજવસ્તુઓ બનાવવાની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કચરો એકઠો કરનારને ફાઉન્ડેશન દ્વારા મહેનતાણું પણ ચૂકવવામા આવે છે.
ફાઉન્ડેશન દ્વારા ગામમાં ફરી કચરો એકઠો કરવામાં આવે છે અને તે કચરો ડમ્પિંગ સ્થળ ઉપર લાવી ખાતર, બાકડા, પેવરબ્લોક જેવી ચિજવસ્તુઓ બનાવવામાં આવે છે. આમ ગામને કચરા મુક્ત કરવા સાથે રોજગારી પૂરી પાડવાનો સંસ્થાનો ઉદ્દેશ છે. કચરે સે આઝાદી ફાઉન્ડેશન ગામડાઓમાં તેમજ સમુદાયના ઘન કચરા વ્યવસ્થાપનને સુધારવાનું કામ કરતી સંસ્થા છે. હાલ આ ફાઉન્ડેશન ૪ ગામોમાં કામ કરી ગ્રામ પંચાયતને ઘન કચરાનું સંચાલન કરવામાં મદદ કરી રહ્યું છે.
અત્યાર સુધી મંજુસર ગામમાંથી સંસ્થાએ એસએમડબલ્યુ ૨૦૧૬ના નિયમ અનુસાર ઘરે ઘરેથી સૂકો અને ભીનો કચરો ઉઘરાવીને એકત્રિત કરેલા કચરામાંથી ૨ ટન જેટલું પ્લાસ્ટિક વેસ્ટ તળાવમાં જતું અટકાવ્યું છે અને પ્લાસ્ટિકના કચરામાંથી બેન્ચ, પેવર બ્લોક, ડસ્ટબિન બનાવી તેનો ઉપયોગ કરીને એક ઉત્તમ ઉદાહરણ ઉભું કર્યું છે. આ ફાઉન્ડેશન છેલ્લા ૨ વર્ષ ઉપરાંતના સમયથી એલએન્ડટી કંપની સાથે સંકળાયેલી છે. કચરે સે આઝાદી ફાઉન્ડેશન દ્વારા મંજુસર ગામ ખાતે ઘન કચરાના નિકાલ સાથે વેસ્ટ માંથી બેસ્ટ સૂત્ર સાર્થક કરતો ઘન ટી.ટી. કચરાના વ્યવસ્થાપન માટે પ્રોજેકટ ઉભો કરવામાં આવ્યો છે. જેને કાયાર્ન્વિત કરવામાં આવ્યો છે. ગામમાંથી અર્ચનાબેને ૧૬૦ કિલો અને ભાવનાબેન પટેલે ૧૦૦ કિલો કચરો એકઠો કરી ગામની અન્ય મહિલાઓને પ્રત્સાહિત કરી છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું સૌથી મોટુ મંજુસર ગામ હવે આવનારા દિવસોમાં “કચરે સે આઝાદી ફાઉન્ડેશન’ ના સહયોગથી કચરા મુક્ત ગામ બનશે. આ ગામમાં વિશ્વ વોટર ડેના દિવસથી ઘન કચરાના વ્યવસ્થાપનના પ્રોજેક્ટને કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગામમાં સ્વચ્છતા સાથે રોજગારી પૂરી પાડવાનો મુખ્ય હેતુ છે.