વાવાઝોડાના સંકટને ટાળવા ભરૂચમાં મહાદેવને દૂધાભિષેક કરાયો
ગુજરાતના કિનારે ત્રાટકવા આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડા નો સામનો કરવા કેન્દ્ર અને ગુજરાત સરકાર ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે તૈયારીઓમાં વ્યસ્ત બની છે. આ ચક્રવાત આજે ૧૫ જૂને દેશના પશ્ચિમ કિનારે ટકરાઈ રહ્યું છે. આ ચક્રવાત હાલના સૌથી ગંભીર દરિયાઈ તોફાનો પૈકીનું એક માનવામાં આવે છે. આવા ચક્રવાત જાન-માલ સાથે અર્થવ્યવસ્થાને પણ ઘણું નુકસાન પહોંચાડે છે.ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વાવાઝોડાના સંકટમાંથી ગુજરાતને હેમખેમ બહાર લાવવા જવાલેશ્વર મહાદેવને જળાભિષેક કરી ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી હતી.
રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાના કારણે સ્થિતિ ભયાનક થઇ રહી છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ભારે પવનો ફૂંકાવવાની સાથે વરસાદ વરસવાનો પણ શરૂ થઇ ચૂક્યો છે. આ પહેલા આવેલા તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાં કેટલીય જગ્યાએ માલહાનિ અને જાનહાનિ નોંતરી હતી. હવે આ વખતે આવેલા બિપરજૉય વાવાઝોડાને લઇને પણ સરકાર અને જનતા ચિંતિત છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઝાડેશ્વર સ્થિત જ્યોતિનગર ખાતે આવેલા જવાલેશ્વર મહાદેવ મંદિર ખાતે બિપરજૉય વાવાઝોડું દરિયામાં જ સમાઇ જાય એ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી હતી.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારુતિ અટોદરિયા, ફતેસિંહ ગોહિલ, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયતના બાધકામ સમિતિના ધર્મેશ મિસ્ત્રી, મંત્રી નિશાંત મોદી સહિતના હોદ્દેદારો દ્વારા મહાદેવ ને જળાભિષેક કરી આવનાર સંકટમાંથી ઉગારવા પ્રાર્થના કરવામાં આવી હતી.