જનજીવન થંભી ગયું: ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા
પહાડી વિસ્તારોમાં લાંબી પ્રતીક્ષા બાદ હિમવર્ષા થઈ રહી છે, પરંતુ તે હવે સામાન્ય જનજીવન માટે મુશ્કેલી સર્જી રહી છે. રવિવારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું અને ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એટલું જ નહીં, વાહનોની અવરજવર માટે વિવિધ રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા.
પીટીઆઈ એજન્સીના જણાવ્યા અનુસાર, હિમવર્ષાને કારણે શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે જમ્મુના રામબન જિલ્લામાં સવારે ૧૧.૧૫ વાગ્યે ભૂસ્ખલનને કારણે ૨૭૦ કિલોમીટર લાંબા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરનો ટ્રાફિક લગભગ ચાર કલાક સુધી ખોરવાઈ ગયો હતો. ઉત્તરાખંડના બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, હેમકુંડ, ઔલી, દેહરાદૂનના ચકરાતા અને ઉત્તરકાશી જિલ્લાના ચૌરાંગીખાલ અને નચિકેતા તાલમાં હિમવર્ષા થઈ હતી. આ સિવાય શનિવારે રાત્રે દેહરાદૂન સહિત રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો.