અમદાવાદના ઘોડાસરના સ્મૃતિ મંદિર પાસે લાખો લિટર પાણી વહી ગયું, AMC ને ફરિયાદ બાદ રિપેરિંગ શરૂ કરાયું
અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર પાસે કેનાલ રોડ ઉપર આવેલી પાણીની પાઇપલાઇનમાં છેલ્લા ચાર દિવસથી પાણીનું લીકેજ થયું છે. જેના કારણે લાખો લિટર પાણી રોડ ઉપર વહી ગયું હતું. રોજ સવારે જ્યારે પાણીનો સપ્લાય શરૂ થાય ત્યારથી પાણી રોડ ઉપર ઉભરાવવાનું શરૂ થતું હતું. ચાર દિવસથી આ લાઇનની લીકેજ હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના અધિકારીઓ દ્વારા ધ્યાન આપવામાં આવ્યું ન હતું. સ્થાનિક લોકો દ્વારા આજે સવારે જ્યારે પાણીની પાઇપલાઇનમાં લીકેજ અને રોડ પર પાણી ભરાયેલું હોય તેવી તસવીરો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવ્યા ત્યારે દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગના અધિકારીઓ જાગ્યા હતા અને તેઓએ તાત્કાલિક પાણીના પાઇપલાઇનની લીકેજની કામગીરી શરૂ કરી હતી.