અંબાજીમાં બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી શાળામાં ફાયર સેફટીનો અભાવ
યાત્રાધામ અંબાજીમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત સંચાલિત અંબાજી પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ ત્રણ માળનું છે, જેમાં ૪૨ વર્ગોમાં ૧૫૦૦ ઉપરાંત બાળકો અભ્યાસ કરે છે. ધોરણ ૧થી ૮ના વર્ગોમાં સરકારની કોવિડ -૧૯ ગાઈડ લાઈન પ્રમાણે ધોરણ ૬થી૮ના જ ૭૦૦થી ૮૦૦ જેટલા બાળકો હાલ શાળા એ આવે છે. આ શાળામાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યારે એક માત્ર ફાયર સેફટીની બોટલ જાેવા મળી હતી, જેની એકપાયરી ડેટ પણ ધણી જુની હતી. જાે કોઈ મોટી હોનારત સર્જાય તો જિલ્લાની સૌથી મોટી ગણાતી આ શાળામાં મોટી હોનારત થવાનો ભય પણ સેવાઈ રહ્યો છે.
આ બાબતે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે ફાયર સેફટીની અમને ગ્રાન્ટ ન મળતા અમે ફાયર સેફટીનો બાટલો ભરાવ્યો નથી. એટલું જ નહીં ત્રણ માળની બીલ્ડીંગમાં એક નહી પણ ૧૨ જેટલા સિલિન્ડરોની જરૂરિયાત છે, તેની સામે માત્ર એક જ ફાળવવામાં આવ્યો છે અને તે ભરાવવા માટેની પણ ગ્રાન્ટ મળી નથી. આ ઉપરાંત ફાયર સેફટીના મામલે નિસરણી તેમજ નેટ જેવી સામગ્રીની જરૂરીયાત પુરી કરવા માગ કરાઈ રહી છે.
૧૫૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી આ શાળામાં જે ગ્રાન્ટ આવે છે તે ખુબ જ ઓછી અને અનિયમિત આવે છે સાથે સફાઈની પણ પૂરતી ગ્રાંટ ન આવતી હોવાથી શાળા શરુ થતામાં ડ્રેસ પહેરીને અભ્યાસ અર્થે આવતી વિદ્યાર્થિનીઓ દ્વારા શાળામાં સફાઈ કરાવવામા આવે છે. બાળકોની આ દશા જાેઈ સરકારને તાકીદે શાળાઓમાં સફાઈકામદારોની વ્યવસ્થા કરવા માગ કરાઈ રહી છે.