કચ્છ- ભુજમાં એક જ દિવસમાં આગના બે બનાવ થયા
કચ્છમાં ઉનાળાની શરૂઆત સાથે જ અચાનક આગના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં બે સ્થળે આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં ભુજ શહેર ખાતેના વ્યાયામ શાળા સામેના ગાયના વાડામાં અને લખપત તાલુકાનાં પાંધ્રો ગામ નજીક સિમ વિસ્તારમાં આગ લાગી ઉઠી, બન્ને સ્થળે સ્થાનિક ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો.
સદભાગ્યે આ બનાવમાં કોઈ વ્યાપક નુકશાન કે જાનહાનિ થઈ નથી. ભુજ શહેરના ગાયત્રી મંદિર સામે આવેલા વ્યાયામ શાળા વિસ્તારના એક ગાયના વાડામાં ગત મધ્ય રાત્રીએ આગ લાગી ઉઠી હતી. બનાવના પગલે ભૂજ ફાયર વિભાગના મામદ જત, સોહમ ગોસ્વામી, રમેશ ગાગલ અને પ્રતીક મકવાણાએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
બીજી તરફ લખપત તાલુકાના પાંધ્રો ગામ નજીક માલિક રમઝાન ખલીફાના ખેતરની બાજુમાં રહેલા સિમ વિસ્તારમાં ગત મોડી સાંજે આગ લાગી ઉઠી હતી. આગની જાણ પાંધ્રો પાવર થર્મલ વિજ પ્રોજેક્ટના ફાયર વિભાગને કરાતા ફાયર ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.