કેરાળા જીઆઇડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા કામદારનું ગૂંગળામણથી મોત
જિલ્લાની કેરાળા જીઆઇડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં ખાલી કેમિકલની ટાંકી સાફ કરવા દરમિયાન એક કામદારનું મોત નીપજ્યું છે. આ અંગે બાવળા પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિગત પ્રમાણે કેરાળા જીઆઈડીસીમાં આવેલી વિશેષ ડાઇઝ એન્ડ કેમિકલ કંપનીમાં સોડિયમ સફ્લાઇડ કેમિકલ બનાવવાની કામગીરી દરમિયાન ટાંકી સાફ કરલા જતા કામદારનું ગૂંગળામણથી મોત નીપજ્યું છે. 2 ઓગસ્ટના રોજ રજાના દિવસે બપોરના બાર વાગ્યાની આસપાસ હરિશચંદ્ર ઉર્ફે સોનુ સુરેન્દ્રસિંહ ઠાકુર અને પટમે સુરી પ્રસાદસિંહ રાજપૂત ખાલી કેમિકલની ટાંકી સાફ કરવા ઉતર્યા હતા. 7000 લિટરની ક્ષમતાની ખાલી ટાંકીની સફાઇ દરમિયાન હરિશચંદ્ર ઠાકુરને ચક્કર આ જતા બેભાન થતાં પડી ગયો હતો. તેને બચાવવા ટાંકીમાં પડેલા પટમે સુરી પ્રસાદસિંહને પણ ચક્કર આવતા બન્નેને આસપાસમાં હાજર માણસોએ બહાર કાઢી ઓટો રીક્ષાની મદદથી બાવળા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં બન્નેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ સોલા સિવિલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં હરિશચંદ્રસિંહ ઠાકુરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.આ અંગે બાવળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે જીઆઈડીસીમાં સલામતી વિના અને પુરતી આવડત વિનાના માણસોને કામ પર રાખી મોતના મુખમાં ધકેલી દેવામાં આવે છે. કામદારોને કોઇપણ સલામતીના સાધનો આપવામાં આવતા નથી અને આવા કામ સમયે કોઇ જવાબદાર વ્યક્તિઓ પણ હાજર રહેતી નથી. તેવી ચર્ચાઓ કામદારજગતમાં ચર્ચાઇ રહી છે.