કાબુલમાં ભીષણ વિસ્ફોટમાં ૩૨ના મોત જ્યારે ૪૦ લોકો ઘાયલ થયા હોવાનું આવ્યું બહાર
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભીષણ વિસ્ફોટ થયો જેમાં ૩૨ લોકોના મોત થયા છે જ્યારે ૪૦ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તાલિબાનના પ્રવક્તા ખાલિદ જાદરાને કહ્યું કે દશતી બારચી વિસ્તારમાં શુક્રવારે સવારે આ વિસ્ફોટ થયો. વિસ્તારમાં મોટાભાગે અફઘાનિસ્તાનના અલ્પસંખ્યક શિયા સમુદાયના લોકો રહે છે. વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી.
તાલિબાનના પ્રવક્તા ખાલિદ જાદરાને કહ્યું કે પીડિતોમાં હાઈ સ્કૂલથી લઈને સ્નાતકના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સામેલ છે. વિસ્ફોટ થયો તે સમયે તેઓ યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા આપી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે તેઓ શુક્રવારે આવા શૈક્ષણિક કેન્દ્રો કે જેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેમના માટે વધારાની સુરક્ષાની માગણી કરશે.
એક ટિ્વટર પોસ્ટમાં એનજીઓ અફઘાન પીસ વોચે કહ્યું કે એક આત્મઘાતી હુમલાખોરે વિદ્યાર્થીઓ વચ્ચે જઈને પોતાની જાતને ઉડાવી દીધી. કાજ એજ્યુકેશનલ સેન્ટરને નિશાન બનાવ્યું. અત્રે જણાવવાનું કે હાલમાં જ કાબુલના વજીર અકબર ખાન વિસ્તાર પાસે પણ એક બોમ્બ વિસ્ફોટ થયો હતો. હાલમાં જ કાબુલમાં રશિયાના દૂતાવાસ બહાર થયેલા વિસ્ફોટની પણ કડક શબ્દોમાં ટીકા થઈ હતી.
નોંધનીય છે કે અફઘાનિસ્તાનમાં ગત વર્ષે તાલિબાને અમેરિકા સમર્થિત નાગરિક સરકારને હટાવ્યા બાદ પોતાના શાસનનું હાલમાં જ એક વર્ષ પૂરું કર્યું છે. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયમાં તાલિબાન દ્વારા નિયુક્ત પ્રવસ્તા અબ્દુલ નફી ટકોરે જણાવ્યું કે વિસ્ફોટ શુક્રવારે વહેલી સવારે થયો. અબ્દુલ નફી ટકોરે કહ્યું કે અમારા દળોને ઘટનાસ્થળે મોકલી દેવાયા છે.