દુશ્મનોનો કાળ બનશે INS વાગીર, ભારતીય નૌકાદળમાં થશે સામેલ
ભારતીય નૌકાદળની શક્તિમાં વધુ વધારો થવા જઈ રહ્યો છે. ભારતીય નૌકાદળ ૨૩ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ પાંચમી કલવારી વર્ગની સબમરીન INS વાગીર શરૂ કરશે. આ પાંચમી ડીઝલ ઇલેક્ટ્રિક સ્કોર્પિન સબમરીન છે. આ વર્ષના અંત સુધીમાં નેવીને આવી છઠ્ઠી અને છેલ્લી સબમરીન મળી જશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સબમરીન ભારતમાં મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ મુંબઈ દ્વારા મેસર્સ નેવલ ગ્રૂપ, ફ્રાન્સના સહયોગથી બનાવવામાં આવી રહી છે. મેસર્સ MDએ ૨૦ ડિસેમ્બર ૨૨ના રોજ ભારતીય નૌકાદળને સબમરીન સોંપી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લી વાગીર સબમરીને ભારતીય નૌકાદળમાં લગભગ ત્રણ દાયકા સુધી સેવા આપી હતી, ત્યારબાદ તેને ૦૭ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ સેવામુક્ત કરવામાં આવી હતી. જૂની વાગીરને ૦૧ નવેમ્બર ૧૯૭૩ના રોજ ‘કમીશન’ કરવામાં આવ્યું હતું અને તેણે નિવારક પેટ્રોલિંગ સહિત સંખ્યાબંધ ઓપરેશનલ મિશન હાથ ધર્યા હતા. નવી ‘વાગીર’ સબમરીન, ૧૨ નવેમ્બર ૨૦ના રોજ લોન્ચ કરવામાં આવી છે, જે અત્યાર સુધીની તમામ સ્વદેશી રીતે નિર્મિત સબમરીનમાં સૌથી ઓછા સમયમાં તૈયાર કરી હોવાનું ગૌરવ ધરાવે છે. વાગીરને નૌ સેનામાં સામેલ કરતા પહેલા વ્યાપક સ્વીકૃતિ તપાસ, કઠોર અને પડકારજનક દરિયાઈ પરીક્ષણોની શ્રેણીમાંથી પસાર કરાઈ છે.