વિશેષઃ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના યાત્રાધામોમાં ૧૫,૦૦૦ કિલોવોટથી વધુ સૌરઊર્જાનું ઉત્પાદન
૨૦ ઓગસ્ટ – ભારતીય અક્ષય ઊર્જા દિવસ
ગુજરાતમાં આધ્યાત્મિક ઊર્જાના કેન્દ્ર- યાત્રાધામો બની રહ્યા છે અક્ષય-ઊર્જાના કેન્દ્રબિંદુ
ગુજરાતી પ્રજાના આદ્યાત્મિક ઊર્જાના કેન્દ્રબિંદુ એવા યાત્રાધામો સૌર-ઊર્જા ક્રાંતિમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં યાત્રાધામોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ દ્વારા અંદાજે ૧૫,૮૯૧ કિલોવોટ સૌર-ઊર્જાનું ઉત્પાદન થયું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષ ૨૦૧૭-૧૮માં મહત્વના યાત્રાધામોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાનો શુભારંભ થયો હતો. જે અંતર્ગત છેલ્લા ૪ વર્ષમાં ૩૪૯ ધાર્મિક સ્થળો પર ૧૬.૨૨ કરોડના ખર્ચે સોલાર સિસ્ટમ કાર્યરત કરવામાં આવી. જેના પરિણામે યાત્રાધામોમાં અંદાજે રૂ. ૨૧ કરોડ ૬૦ લાખ અને ૭ હજારની વીજબચત થઈ છે.
મહત્વની બાબત એ છે કે આ સોલાર-ઊર્જાના પગલે યાત્રાધામોમાં પારંપારિક ઉત્સવોમાં વપરાતી વીજળી નિશુલ્ક પ્રાપ્ત થઈ રહી છે.
આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ ર.આર.રાવલ કહે છે : “સોલાર રૂફટોપ સિસ્ટમના કારણે ૩૪૯ યાત્રાધામોને સૂર્ય-ઉર્જા મળે છે. તેનો ખર્ચ ઝીરો થઈ ગયો છે. વળી, વીજળીના વપરાશ બાદ બચેલી વીજળી સરકારને વેચી આવક પણ પ્રાપ્ત થાય છે. ”
યોજનાના અમલીકરણ અંગેની વિગતો આપતા રાવલ કહે છે કે, યાત્રાધામ સોલાર રૂફટોપ યોજનામાં સરકાર હસ્તકના યાત્રાધામોનો તમામ ખર્ચ રાજ્ય સરકાર વહન કરે છે, જ્યારે ખાનગી ટ્રસ્ટ સંચાલિત યાત્રાધામોમાં ૭૦ ટકા ખર્ચ સરકાર અને ૩૦ ટકા ખર્ચ ખાનગી ટ્રસ્ટ કરે છે.
યાત્રાધામ – ઉર્જા-બચત સાથે યાત્રી -સુવિધામાં વૃદ્ધિ
રાજ્યના ૧૩ યાત્રાધામો ખાતે વીજ-બચત માટે રૂ. ૨૧૧.૪૭ લાખના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે રાજ્યનાં વિવિધ યાત્રાધામો ખાતે વીજળીકરણની કામગીરી અંતર્ગત સોલાર રૂફટૉપ સિસ્ટમની સુવિધા, વીજ બચત કરતાં ઉપકરણો મૂકવાની કામગીરી, પીવાનાં પાણીની સુવિધા તથા દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોની સુવિધા માટે હાઇડ્રોલિક લિફ્ટની સુવિધા પણ વિકસાવી છે. આ સંદર્ભે રાજ્યનાં કુલ 56 યાત્રાધામો ખાતે રૂ. 209.11 લાખના ખર્ચે વીજળીકરણની કામગીરી કરવામાં
આવી છે.
વિવિધ યાત્રાધામોમાં સુવિધાઓના વિકાસ સંદર્ભે વાત કરીએ તો અંબાજી સ્થિત શ્રી આરાસુરી અંબાજી મંદિર, ડાકોર સ્થિત શ્રી રણછોડરાયજી મંદિર, કચ્છ સ્થિત કોટેશ્વર મહાદેવ મંદિર, વાંસદા સ્થિત ઉનાઈ માતાજી મંદિર સહિતના યાત્રાધામોમાં રૂ. ૭૯.૪૭ લાખના ખર્ચે ૫ હાઈડ્રોલિક લિફ્ટનું નિર્માણ કરાયું છે.
યાત્રાધામ વિકાસ કાર્ય
(૧) દ્વારકા :- વીજ-બચત માટે રૂ. ૯.૫૬ લાખના ખર્ચે ઉપકરણ – રૂ. ૧૪.૪૫ લાખના ખર્ચે ૩૧ કિલોવોટની ક્ષમતાની સોલાર રૂફટોપ (૨) ડાકોર :– રણછોડરાયજી મંદિર ખાતે રૂ. ૮.૫૬ લાખના ખર્ચે ૨૫ કિ.વોટની રૂફટોપ સિસ્ટમ -રૂ. ૧૨.૭૪ લાખના ખર્ચે હાઈડ્રોલિક લિફ્ટની સુવિધા (૩) ગીરનાર : ગીરનાર પર રૂ. ૬૮.૦૧ લાખના ખર્ચે ૨૫ કિ.વો.ની ઓફગ્રીડ રૂફટોપ સિસ્ટમ (૪) પાલીતાણા : રૂ. ૧૬.૯૪ લાખના ખર્ચે ૪૦ કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ (૫) શામળાજી : મંદિર ખાતે રૂ. ૮.૮૬ લાખના ખર્ચે ૨૫ કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ રૂ. ૮.૦૪ લાખના ખર્ચે સોલાર સંચાલિત પીવાના પાણીની સુવિધા (૬) મોઢેરા : શ્રી મોઢેશ્વરી મંદિર ખાતે રૂ. ૬૫ લાખની ૧૪૫ કિલોવોટની સોલાર રૂફટોપ (૭) અંબાજી : વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો માટે પ્રવેશદ્વાર ૯ પર રૂ. ૧૬ લાખના ખર્ચે હાઈડ્રોલિક લિફ્ટ – રૂ. ૧૦.૪૭ લાખના ખર્ચે પીવાના પાણીની વ્યવસ્થા, – વીજબચત માટે રૂ. ૯.૫૬ લાખના ખર્ચે હાઈમાસ્ટની સુવિધા – અંબાજી પરિસરમાં રૂ. ૪૪.૨૩ના ખર્ચે ૯૮ કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ – અંબાજી ગબ્બર પરિક્રમાપથ પર સ્ટ્રીટલાઈટ ફિટિંગ – રૂ. ૧૮.૬૩ લાખના ખર્ચે (8) સોમનાથ – ૨૦૦ કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ રૂ. ૮૪.૮૬ લાખના ખર્ચે -મંદિર ખાતે રૂ. ૧૯.૧૨ લાખના ખર્ચે વીજ-બચત ઉપકરણ અંતર્ગત હાઈમાસ્ટની કામગીરી – મંદિર ખાતે રૂ. ૮.૪ લાખના ખર્ચે પીવાના પાણીની વ્યવસ્થા |
ગુજરાતના મુખ્ય યાત્રાધામમાં સૌર-ઊર્જા ક્ષમતા
· સોમનાથ – ૨૦૦ કિલોવોટ · અંબાજી – ૯૮ કિલોવોટ · દ્વારકા- ૩૧ કિલોવોટ · બહુચરાજી – ૧૦૦ કિલોવોટ · ડાકોર – ૨૫ કિલોવોટ · ઉમિયા માતા મંદિર(ઉંઝા)- ૩૦ કિલોવોટ · સ્વામિનારાયણ મંદિર(વડતાલ) -૬૦ કિલોવોટ
|