વડોદરામાં મહાલક્ષ્મી એપાર્ટમેન્ટ નીચે આવેલી ૫ દુકાનો આગમાં બળીને ખાખ થઈ
વડોદરા, : વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વુડા સર્કલથી મુક્તાનંદ સર્કલ વચ્ચે આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટની નીચે આવેલ રાજુ આમલેટ સહિતની પાંચ દુકાનોમાં ભયાનક આગ લાગી હતી. આગ લાગતા જ લોકો દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. જેથી કોઇને ઇજા કે જાનહાનિ થઇ ન હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓ સાથે લાશ્કરો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તારણમાં આગ શાર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે. મુખ્ય રોડ પર આવેલી દુકાનોમાં આગ લાગતા રસ્તે જતાં લોકો થંભી ગયા હતા અને આગની ઘટના જાેવા માટે ઉભા રહી ગયા હતા. તેમજ રોડ પર વાહન ચાલકો પણ વાહન થંભાવીને રોડ પર ઉભા રહી ગયા હતા. વડોદરા શહેરના વુડા સર્કલ પાસે આવેલ રાજુ આમલેટની દુકાનમાં આગ લાગી તે રાજુ આમલેટની ગુજરાત સહિત દેશમાં હરિયાણા, ભોપાલ, ચેન્નઇ, દહેરાદૂનમાં શાખાઓ છે. વડોદરા શહેરના વુડા સર્કલ પાસે આવેલી પ્રખ્યાત રાજુ આમલેટ સહિતની પાંચ દુકાનોમાં બપોરે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં આ દુકાનો ખાખ થઇ ગઇ હતી. જાે કે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.