રાજકોટની શાળામાં વિદ્યાર્થીઓ ઘરેથી ફળ-શાકભાજીની છાલ, કચરો લાવી ખાતર બનાવશે
પર્યાવરણની માવજત થાય, કચરાને કારણે થતી ગંદકી અને પ્રદૂષણ અટકે તે માટે રાજકોટની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ એક ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જે માટે આ શાળાના વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી શાકભાજી અને ફળની છાલ, કચરો શાળાએ લાવશે અને તેમાંથી ખાતર બનાવશે. આ સિવાય વિદ્યાર્થીઓએ શાળામાં જ નર્સરી બનાવી છે. જેમાં આગામી દિવસોમાં ૧૦ હજાર રોપા તૈયાર કરશે અને તે રોપા લોકોને વિનામૂલ્યે વૃક્ષારોપણ કરવા માટે આપશે. આ શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે પર્યાવરણ માટે ખાસ સમય ફાળવે છે. શાળાના આચાર્યા વનિતાબેન રાઠોડ જણાવે છે કે, આ પ્રોજેક્ટ અમલી કરતા પહેલા એક પ્રયોગ કરવામાં આવ્યો હતો.
જેમાં શાળામાં ઝાડ, પાનના સૂકા કચરાને એકઠો કર્યો અને સૌ પ્રથમ શાળાને ઝીરો ગાર્બેજ શાળા બનાવી. તેમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવ્યું હતું. જે શાળામાં રહેલા વૃક્ષોમાં નાખ્યું હતું. આ પ્રયોગ સફળ થતા હવે અન્ય વિદ્યાર્થીઓ પણ તેમાં જાેડાશે. વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી કચરો, શાકભાજી અને ફળની છાલો, ઘરે રહેલા નકામા માટલાઓ લાવશે.
આ નકામા માટલામાં એક સ્તર સૂકા પાંદડાનો, બીજું સ્તર શાકભાજી અને ફળની છાલ તથા તેમાં નાની બોટલના બે ઢાંકણા ખાટી છાશ ઉમેરી, ફરી પાછા આવા સૂકા પાંદડાંઓ અને શાકભાજી અને ફળની છાલના સ્તર બનાવી એ માટલાને ઢાંકી એક અઠવાડિયા પછી હલાવી ફરી પાછું ઢાંકણું બંધ કરી મૂકવામાં આવશે. આવી રીતે એક મહિના સુધી દર અઠવાડિયાએ એક વાર આ હલાવી માટલાને ઢાંકી રાખીને દેશી પદ્ધતિથી ખાતર તૈયાર કરશે. કચરામાંથી તૈયાર કરેલા કિંમતી ખાતરનો ઉપયોગ શાળાના ઝાડ-પાનના વિકાસ માટે લેવામાં આવશે.