ભાવનગરમાં ૩ લાખ લીટર પાણી તો ટેન્કરથી વિતરણ કરાય છે

ઉનાળામાં પાણીની માંગ વધતા સહજ રીતે જ પાણીની તંગી પણ વર્તાય છે. છતાં શાસકો કે, તંત્ર વાહકો પાણીની સમસ્યાનો સ્વીકાર કરતા નથી. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, હાલમાં પણ રોજના ટેન્કરના ૫૦ થી ૫૫ ફેરા કરી લોકોમાં પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશનના ચોપડા મુજબ જ રોજનું અઢીથી ત્રણ લાખ લીટર ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશનના શાસકો જગજાહેર ભલે પાણીની સમસ્યા નહીં હોવાનું કહેતા પરંતુ ભાજપના જ કોર્પોરેટરઓ દ્વારા પણ પોતાના વિસ્તારમાં રહીશો માટે પાણી ટેન્કર દ્વારા મંગાવી રહ્યા છે. પરંતુ શાસકોની નબળાઈ ન દેખાય તે માટે પાણીના પ્રશ્ને પણ પડદો પાડી દેવામાં આવે છે.

શહેરના આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વધુ રહે છે. જેનું મુખ્ય કારણ પાણીની અનિયમીતતા તો છે જ પરંતુ પાણી સંગ્રહ કરવાની અવ્યવસ્થા પણ જવાબદાર છે. એપ્રિલ અને મે મહિનામાં સૌથી વધુ કરચલીયા પરા વોર્ડમાં ૨૩મી મે સુધીમાં ૧૨૬ પાણીના ટેન્કરના ફેરા થયા હતા. કરચલીયા પરા બાદ વડવા-બમાં ૧૧૦, ઉ.કૃષ્ણનગરમાં ૯૯ ફેરા નોંધાયા છે જ્યારે સૌથી ઓછા વડવા અ વોર્ડમાં માત્ર ૨૨ ફેરા જ ટેન્કરના થયા હતા અને તખતેશ્વર વોર્ડમાં ૪૪ ફેરા નોંધયા હતા.

એપ્રિલ મહિનાથી જ કપરા ઉનાળાનો અહેસાસ થતાં ગત માર્ચ મહિના કરતા એપ્રિલ મહિનામાં અનેક ગણા ટેન્કરના ફેરા વધી ગયા હતા. માર્ચ મહિનામાં કુલ ૧૨૦૯ પાણીના ટેન્કરના ફેરા થયા હતા જ્યારે એપ્રિલ મહિનામાં ૧૩૯૧ ફેરા નોંધાયેલા છે. એટલે કે માર્ચ મહિના કરતા એપ્રિલ મહિનામાં ૧૮૨ ટેન્કરના ફેરાનો વધારો થયો છે. જ્યારે ૨૩મી મે સુધીમાં ૧૨૭૧ ફેરા નોંધાયેલા છે.ભાવનગર શહેરમાં આખો ઉનાળો પાણીના પ્રેશર અને અનિયમિતતાની ફરિયાદો ઊભી હતી પરંતુ એક તરફ સરકાર ટેન્કર પ્રથા નાબૂદ કરવા પ્રયત્ન કરે છે ત્યારે બીજી તરફ પ્રજાના પાણીના પોકારને શાંત કરવા માટે ટેન્કર થી પાણી વિતરણ કરવું પણ જરૂરી બન્યું છે. હાલમાં પણ રોજના સરેરાશ ૫૦ થી ૫૫ પાણીના ટેન્કરના ફેરા થઈ રહ્યા છે. એટલે કે, રોજનો અઢીથી ત્રણ લાખ લીટર પાણી ટેન્કર થી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તે જ પાણીની સમસ્યા હોવાનું ફલિત કરે છે. અને તેમાં પણ નગર સેવકો દ્વારા જ એપ્રિલ અને ૨૩મી મે સુધી ૯૯૨ ટેન્કરના ફેરા નોંધાવ્યા હતા.

ગત વર્ષે ચોમાસુ સારૂ નીવડતા આ વર્ષે પીવાના પાણીના સ્ત્રોત પણ ડુક્યા નથી. જેને કારણે જ ઉનાળામાં પણ એક પણ કાપ વગર પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તંત્રના દાવા મુજબ પ્રજાજનોની જરૂરિયાત પ્રમાણે શેત્રુંજી મહિ પરીએજ અને બોરતળાવમાંથી પાણી મળી રહે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news