અમરેલી જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ, નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા

રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધારી, જાફરાબાદ, બગસરા, રાજુલા, લાઠી, કુંકાવાવ સહિત આખા અમરેલીમાં જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે. સારા વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. જેના પગલે વાહન વ્યવહાર પર પણ અસર પડી રહી છે.

વરસાદની વાત કરીએ તો આજ વહેલી સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. ક્યાંક હળવો તો ક્યાંક સારો વરસાદ નોંધાયો છે. આંકડા પર નજર કરીએ તો જાફરાબાદ- ૨૪ મિમી, ધારી-૧૨ મિમી, અમરેલી-૫ મિમી, રાજુલા-૫ મિમી, વડિયા અને સાવરકુંડલામાં ૪-૪ મિમી વરસાદ, લીલીયા- ૩ મિમી વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને બગસરાના ગામડાઓમાં સારો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સુડાવડ, લૂંઘીયા, ભાડેરમાં ૧થી ૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

બગસરાના સુડાવડ, લૂંઘીયા અને ભાડેર સહિત આસપાસના ગામડાઓમાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદી-નાળાઓમાં પણ નવા નીર આવ્યા છે. સુડાવડ ગામે પડેલા વરસાદને પગલે ખેતરો અને ઉપરવાસના ગામોના નદીમાં વરસાદી પાણી આવતા ગામની સ્થાનિક નદી જીવંત બની ગઈ છે અને પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, ગામના કોઝવે પરથી પણ પાણી વહેતા અનેક ગામોમાં લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે.

આ ઉપરાંત લૂંઘીયા ગામે પણ ભારે વરસાદને પગલે ગામની સારણ નદીમાં પાણીની ભારે આવક થઈ છે. જેના કારણે પાણી પુલ પર આવી જતા વાહન વ્યવહારને અસર થઈ છે. પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે પુલ થોડી વાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જો કે મોટા વાહનોએ અડધો કલાક રાહ જોયા બાદ જીવના જોખમે પુલ પરથી વાહન પસાર કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન નાના વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news