અમદાવાદના જુહાપુરામાં ભુવો પડતાં પાણીની લાઈનમાં થયું ભંગાણ
અમદાવાદમાં અવારનવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતું હોય છે. સવારે શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલી બરફની ફેકટરી પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે લાખો લિટર પાણી વહી ગયું હતું. ભુવો પડવાના કારણે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હોવાને લઇ સ્થાનિક લોકોએ આસપાસ કોઈ ન જાય તેની તકેદારી રાખી કોર્ડન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભુવાને કોર્ડન કરવાની કાર્યવાહી કરવામાં આવી નથી.
મળતી માહિતી મુજબ જુહાપુરા બરફની ફેકટરી પાસે સવારે રોડ પર સાઈડમાં ભુવો પડ્યો હતો. ભુવો પડવાના કારણે નીચે નાખવામાં આવેલી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું.
પાઇપલાઇન તૂટી જતાં લાખો લિટર પાણીનો વ્યય થયો હતો. આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ કોર્પોરેશનને જાણ કરી હતી. જેથી પાણીના સપ્લાયનો વાલ્વ કોર્પોરેશન દ્વારા બંધ કરવામા આવ્યો હતો. વાલ્વ બંધ થતાં લોકોને સવારે પાણી વગર રહેવું પડયું હતું. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનના ભંગાણ સર્જાતા હોય છે. થોડા દિવસ પહેલા ખોખરા વિસ્તારમાં પણ આ રીતે પાણીની પાઇપલાઇનમાં ભંગાર સમજાવતું જેના કારણે ૨૦ ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઉડ્યો હતો અને લાખો લીટર પાણીનું વ્યય થઈ ગયું હતું. ચોમાસા દરમિયાન ભુવા પડવાના કારણે તેમજ જમીનની નીચે પાણીની પાઇપલાઇન જૂની હોવાના કારણે ચોમાસામાં જમીન દબાવવાના કારણે કેટલીક વાર નીચે પાઇપલાઇન તૂટી જતી હોય છે અને તેના કારણે આવી રીતે બ્રેકડાઉન થતું હોય છે.