અમદાવાદમાં ગરનાળા પાણીથી ભરાયેલા છે : ગંદકી જોવા મળે છે
અમદાવાદમાં અંડરબ્રિજ આખો પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જ્યારે કાળીગામ ગરનાળુ પણ હજી પાણીથી ભરેલું છે. શહેરમાં ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન સહિત અમે વરસાદ શરૂ થયો ત્યારથી કંટ્રોલરૂમમાં છીએ અને ત્રણ કલાકમાં આખા તંત્રે કામગીરી કરીને પરિસ્થિતિ સામાન્ય કરી દીધી છે. જેમાં રાણીપ વિસ્તારમાં આવેલા જીએસટી અંડરબ્રિજ આખો પાણીમાં જોવા મળ્યો હતો. ન્યુ રાણીપ તરફ તો પાણી રોડ સુધી હતું.
અંડરબ્રિજને અડીને સાઇડમાંથી લોકો પસાર થાય છે. માટીના કારણે રોડ બેસી જવાની પુરી શકયતા છે. જો ઝડપી કામગીરી નહિ થાય તો કોઈપણ જાનહાનિ થઈ શકે છે.કાળીગામ ગરનાળુ જેમાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે છતાં તેનો કોઈ નિકાલની કામગીરી ઝડપી કરવામાં આવતી નથી. બને તરફ કેડસમા પાણી ભરાઇ ગયેલા જોવા મળ્યા હતા. જેના કારણે વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો.
કાળીગામથી સુભાષબ્રિજ તરફનો રસ્તો જ બંધ થઈ ગયો છે. દર વર્ષે આ ગરનાળુ ભરાઈ જાય છે છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જાગતું નથી. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં હજી પણ અનેક જગ્યાએ રોડ બેસી ગયા હોવાની ફરિયાદો સામે આવી છે. રાજપથ કલબ પાછળ આખો રોડ બેસી ગયો છે. બે દિવસ પહેલા વરસાદ બાદ આ રોડ બેસી ગયો છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ ત્વરિત કામગીરી સામે આવી નથી. બેરીકેટ અથવા ત્યાંથી રોડને સરખો કરવા કોઈ કામગીરી કરાઈ નથી. કેટલાક વિસ્તારોમાં હજી પણ પાણીના કાદવ-કીચડના કારણે ગંદકી ફેલાયેલી છે. જેના કારણે રોગચાળો ફાટી નિકળે તેવી શક્યતા છે. અનેક જગ્યાએ દવાનો છંટકાવ કરવાની જરૂર છે પરંતુ છંટકાવ કરવામાં આવ્યો નથી. દવાના છંટકાવ માટે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને ભાજપના સત્તાધીશોએ મંજૂર કર્યો છે પરંતુ ક્યાંય પણ તેની કામગીરી જણાઇ નથી.અમદાવાદમાં પડેલા અનરાધાર વરસાદમાં શહેર પાણી પાણી થઇ ગયું હતું. મ્યુનિસિપલ કમિશનરે જાતે જ પોતાની પીઠ થાબડી અને ત્રણ કલાકમાં પરિસ્થિતિ સામાન્ય કરી દીધી હોવાનો દાવો કર્યો હતો. જોકે વરસાદ બંધ થયાના ૪૮ કલાક બાદ પણ શહેરના ગરનાળામાં વરસાદના પાણી ભરાયેલા અને ગંદકી જોવા મળી હતી. રાણીપ વિસ્તારમાં આવેલું જીએસટી અંડરબ્રિજ ગરનાળુ આખું પાણીથી ભરેલું જોવા મળ્યું હતું.