ICC Men’s World Cup 2023: જાણો વિજેતા અને ઉપવિજેતા ટીમને મળશે કેટલી ઈનામી રકમ?
અમદાવાદ: હાલ ભારત સહિતના ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટના રંગે રંગાયેલા જોવા મળી રહ્યાં છે. તેમાં પણ જ્યારે વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે, ત્યારે ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ તેના ચરમ પર જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ કે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની વિજેતા અને ઉપવિજેતાને કેટલી ઈનામી રકમ મળશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો ફાઈનલ મેચ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. બંને વચ્ચે ગ્રુપ સ્ટેજમાં એક વખત મેચ રમાઈ હતી જેમાં ભારત જીત્યું હતું. ભારત તેની તમામ મેચ જીતીને મહત્તમ 18 પોઈન્ટ સાથે ટોચ પર છે. ગ્રુપ સ્ટેજમાં ભારતનો નેટ રન રેટ 2.570 શ્રેષ્ઠ રહ્યો છે., તો ભારતને ટક્કર આપનારી ઓસ્ટ્રેલિયા ટીમે જોહાનિસબર્ગમાં 2003ની વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ટીમને 125 રનથી હરાવીને જીત મેળવી હતી.
આપને જણાવી દઈએ કે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની વિજેતા ટીમને US$40 લાખની ઈનામી રકમ અને ઉપવિજેતા ટીમને US$20 લાખ મળશે. તે જ સમયે, દરેક ગ્રુપ સ્ટેજની જીત માટે 40 હજાર ડોલર નક્કી કરવામાં આવ્યા છે.
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રવિવારે ઐતિહાસિક ફાઈનલ જોવા માટે એક લાખથી વધુ પ્રશંસકો આવવાની આશા છે. સ્ટેડિયમ 2021 માં પૂર્ણ થયું હતું અને તેની ક્ષમતા 1 લાખ 32 હજાર છે. ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ 5 ઓક્ટોબરે સ્ટેડિયમમાં અને 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી જેમાં યજમાન ટીમનો વિજય થયો હતો. ત્યારે યજમાન ટીમ ઈન્ડિયા 12 વર્ષ પહેલા 2011માં મેળવેલી આઈસીસી ફાઈનલ મેચ જીતનું પુનરાવર્તન કરવાનો લક્ષ્યાંક રાખશે.
ઓસ્ટ્રેલિયાએ તેના ઈતિહાસમાં સૌથી વધુ વખત ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે. જો રવિવારની મેચ વરસાદને કારણે ખોરવાઈ જાય અને પરિણામ ન આવે તો મેચ રિઝર્વ ડે પર રમાશે.