પ્રથમ ક્વાર્ટરમાં અમદાવાદ સહિત દેશના મોટાભાગનાં શહેરોમાં ઘરો મોંઘા થયાઃ NHB હાઉસિંગ રિપોર્ટ
નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) દરમિયાન, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ જેવા આઠ મોટા મહાનગરો સહિત 50 મોટા શહેરોમાંથી 43માં મકાનોની કિંમતોમાં વધારો થયો છે. નેશનલ હાઉસિંગ બેંક (NHB) દ્વારા બુધવારે જાહેર કરાયેલ હાઉસ પ્રાઇસ ઇન્ડેક્સ (HPI)માં આ હકીકત સામે આવી છે.
રિપોર્ટ અનુસાર, પ્રથમ ક્વાર્ટરમાં કોલકાતા, મુંબઈ અને પુણેમાં પણ પ્રોપર્ટીની કિંમતોમાં વધારો જોવા મળ્યો. હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ, જેને NHB Residex કહેવાય છે, ત્રિમાસિક ધોરણે પસંદગીના 50 શહેરોમાં રહેણાંક મિલકતોની કિંમતની હિલચાલને ટ્રેક કરે છે. આ ઇન્ડેક્સની સરખામણીનો આધાર નાણાકીય વર્ષ 2017-18ની કિંમતોને રાખવામાં આવી છે.
બુધવારના આ અહેવાલ મુજબ, ભારતના આઠ મોટા શહેરોમાં પ્રાથમિક રહેણાંક બજારોમાં વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન પ્રોપર્ટીના ભાવમાં એક ટકાથી લઈને નવ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. જેમાં અમદાવાદમાં કિંમતોમાં વાર્ષક આધાર પર9.1 ટકા, બેંગલુરુ (8.9 ટકા), ચેન્નાઈ (1.1 ટકા), દિલ્હી (0.8 ટકા), હૈદરાબાદ (6.9 ટકા), કોલકાતા (7.8 ટકા), મુંબઈ (2.9 ટકા) પુણેમાં (6.1 ટકા)નો વધારો જોવા મળ્યો.
બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પાસેથી એકત્ર કરાયેલા 50-શહેરોના રહેણાંક મિલકત મૂલ્યાંકનના ડેટાના આધારે તૈયાર કરાયેલ HPI ઇન્ડેક્સે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 4.8 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિ સાત ટકા હતી.
વિવિધ શહેરોમાં મકાનોની કિંમતોમાં ફેરફારનું પ્રમાણ અલગ-અલગ છે. ઉદાહરણ તરીકે, ગુરુગ્રામમાં આ સમયગાળા દરમિયાન વાર્ષિક ધોરણે ભાવમાં 20.1 ટકાનો વધારો થયો છે, જ્યારે લુધિયાનમાં પ્રાથમિક રહેણાંક મિલકતોની કિંમતો એક વર્ષ અગાઉની સરખામણીમાં 19.4 ટકા ઘટી છે.
NHBએ જણાવ્યું હતું કે, “સર્વે કરાયેલા 50 શહેરોમાંથી સાતમાં પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. હોમ લોન પરના વ્યાજ દરો હજુ પણ પૂર્વ-રોગચાળાના દરો કરતા નીચા છે, જેનાથી એકદંરે મિલકતો ખરીદદારોની નાણાકીય સ્થિતિમાં જળવાયેલી છે.”
પુરવઠાની બાજુએ, HPI ઇન્ડેક્સ અનુસાર, બાંધકામ હેઠળના અને ન વેચાયેલા સંપૂર્ણ ફર્નિશ્ડ રેડી-ટુ-મૂવ-ઇન ઘરોની ઓફર કરેલી કિંમતો પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 12.2 ટકા વધી હતી. એક વર્ષ અગાઉ તેમનું સ્તર વાર્ષિક ધોરણે 5.7 ટકા ઊંચું હતું.
પુરવઠાની દ્રષ્ટિએ, ન્યુ ટાઉન કોલકાતામાં સૌથી વધુ 33.7 ટકાનો ભાવ વધારો જોવા મળ્યો હતો, જ્યારે રાજકોટમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં ભાવમાં 2.2 ટકાનો ઘટાડો થયો હતો.