દેશના ઘણા રાજ્યોમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ એ કહ્યુ છે કે, ઉપહિમાલયન ક્ષેત્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર-પૂર્વ ભારત અને દક્ષિણી પ્રાયદ્વિપીય વિસ્તારમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં જ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, સમુદ્ર સપાટીથી ચાલુ થયેલો ચોમાસાનો ટ્રફ હાલ હિમાલયની તળેટી નજીક આવી ગયો છે. ત્યારે પૂર્વ ઉત્તર પ્રદેશ પર ચક્રવાતી હવાનું જોર વધ્યું છે. જ્યારે બીજું હવાનું જોર ઝારખંડ પર ક્ષોભમંડળના નીચા વિસ્તારમાં બન્યું છે. તેના પ્રભાવથી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાશ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે વરસાદ પડી શકે છે.
આ સિવાય અન્ય કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે તોફાની વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગ ચાલી રહી છે, ત્યારે હવે ચોમાસુ કમજોર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બિહારના મોટાભાગના વિસ્તારમાં દુકાળ જેવી પરિસ્થિતિ છે. તેને ધ્યાને રાખી આજે ભારતીય હવામાન વિભાગે બિહારની સાથે સાથે ઝારખંડ અને ઉત્તર પ્રદેશના ઘણાં વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, ૨૯ ઓગસ્ટે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ થઈ શકે છે. પરંતુ ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કર્ણાટક, તેલંગાણામાં ૨૯ અને ૩૦ ઓગસ્ટે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આંધ્રના તળેટી વિસ્તારો, દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, કેરલ અને કર્ણાટકની તળેટીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી મધ્યમ વરસાદનો માહોલ છવાયેલો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ૧ સપ્ટેમ્બરથી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જો કે, અરૂણાચલ પ્રદેશ અને અસમના છિટપુટ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.. IMDએ તમિલનાડુ, કેરળ, માહી વિસ્તાર અને કર્ણાટકના દરિયાકિનારે આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણના રાજ્યોમાં વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે આગામી ૨૪ કલાકમાં ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, પૂર્વી અસમ, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઉત્તરી છત્તીસગઢ, પૂર્વી મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં એક-બે જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે.
અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ આગામી ચાર દિવસ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદ વચ્ચે ઉત્તરાખંડના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તેવામાં દહેરાદૂન, પૌડી, નૈનિતાલ, ચંપાવત સામેલ છે. બાગેશ્વરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યુ કે, ભૂસ્ખલન સંભવિત ક્ષેત્રમાં લોકોએ ધ્યાન રાખવું. છેલ્લા કેટલાક દિવસોથી પર્વતો પર ભારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત કેટલાક રાજ્યોની નદીઓમાં જળસ્તર વધ્યાં છે. તેનાથી ઉત્તર પ્રદેશના વારાણસી અને પ્રયાગરાજમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.