વરસાદની રાહ જોતાં ખેડૂતોમાં આનંદની ખુશી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જયારે વેરાવળ અને સોમનાથમાં દોઢ ઈંચ અને સુત્રાપાડામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા જેના કારણે વાહન ચાલકોમાં ભારે મુશ્કેલી જોવા મળી હતી. ત્યારે બીજી બાજુ ગીરનારમાં અનરાધાર વરસાદના લીધે રોપવે હાલ બંધ કરી દેવામાં આવ્યું છે અને વરસાદને કારણે દામોદર કુંડના પગથિયાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદી માહોલ જામ્યો છે. નસવાડી, આમરોલી, તણખલા સાથે ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છોટાઉદેપુરના કવાંટમાં નાની ટોકરી પાસેથી પસાર થતી ટોકરવો ધામણી નદીમાં પૂર આવ્યું છે. કોઝવે ઉપર પાણી ફરી વળતા ૪થી વધુ ગામનો જીલ્લા સાથે સંપર્ક કપાયો છે. સાવર્ત્રિક વરસાદના લીધે નસવાડીનું હાંડલી ગામ સંપર્ક વિહોળું બની ગયું છે. મુખ્ય ગામના રોડ પર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. હાંડલીના ગ્રામજનોને દસ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે.
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કપરાડામાં ૪ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકયો છે. ઉપરવાસમાં વરસાદને લીધે નદીઓમાં પાણીની આવક થઇ છે. મધુબન ડેમની સપાટી ૭૧.૩૫ મીટર પર પહોંચી છે. જ્યારે ૧૩,૮૨૮ ક્યુસેક પાણીની આવક થઇ છે. તો ડેમમાંથી ૧૧૬૫૩ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં ઉમરગામ, ધરમપુર, કપરાડા અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ છે.
બોડેલીમાં વહેલી સવારથી મેઘો મહેરબાન થયો છે. બોડેલીમાં છ કલાકમાં લગભગ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. સતત વરસાદના લીધે બોડેલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. બોડેલી રેલવે ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ કરાયો છે.
રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. રાજકોટમાં ગઈકાલે ૬ કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ગઇકાલે ગોંડલ પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ૪ કલાકમાં જ ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાતા શહેર પાણી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયાં હતાં. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો.