ગ્રીન ગ્રોથની દિશામાં ગુજરાતની આગેકૂચઃહવે પ્લાસ્ટિક કચરાના બદલામાં અપાય છે રૂપિયા

ઔદ્યોગિક કુશળતા અને આર્થિક વિકાસ માટે સમગ્ર વિશ્વમાં જાણીતું ગુજરાત, હવે ગ્રીન ગ્રોથ તરફ પણ હરણફાળ ભરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ પર્યાવરણને લગતા પડકારોને પહોંચી વળવાના વિઝન સાથે, ગુજરાતે પુનઃપ્રાપ્ય ઊર્જા અને સંરક્ષણ ક્ષેત્રે વિવિધ પહેલો અમલમાં મૂકી છે. પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે, ખાસ કરીને સૌર અને પવન ઊર્જા ક્ષેત્રે ગુજરાત એક અગ્રેસર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. સોલાર પાર્કનું નિર્માણ કરીને અને રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનને ઘરો સુધી પહોંચાડીને, રાજ્યની મબલખ સૌર ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચારણકા સોલાર પાર્ક જેવા પ્રોજેક્ટની સફળતાએ ગુજરાતને ભારતમાં સૌર ઊર્જા ઉત્પાદનમાં મોખરાના સ્થાને પહોંચાડ્યું છે. વધુમાં, દરિયાકાંઠે આવેલા વિન્ડ ફાર્મ્સે રાજ્યની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

ગ્રીન ગ્રોથની દિશામાં આગળ વધવા માટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પણ એક મહત્વનું પાસું છે. ગુજરાતે પ્લાસ્ટિકના કચરાનો ઉકેલ લાવવાની જરૂરિયાતને ઓળખી છે અને પ્લાસ્ટિક મેનેજમેન્ટને પ્રોત્સાહન આપવા અને તેની પર્યાવરણીય અસરને ઘટાડવા માટે ઘણી પહેલો અમલમાં મૂકી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધથી લઇને પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અને રિસાઇક્લિંગ સંદર્ભે  નીતિ વિષયક ર્નિણયોની સાથે, રાજ્યમાં હવે અલગ-અલગ જિલ્લાઓમાં પ્લાસ્ટિકના કચરાના નિકાલ અને જનજાગૃતિ માટે અવનવા પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યા છે.

મહુવા નગરપાલિકાનો નવતર પ્રયોગ ઃ પ્લાસ્ટિક જમા કરાવો અને વળતર મેળવો ઃ એક કિલો પ્લાસ્ટિકના રૂ. ૧૦/- અને પ્લાસ્ટિક બોટલના રૂ. ૨૩/-

ભાવનગર જિલ્લામાં મહુવા નગરપાલિકાએ પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી એક અનોખું અભિયાન હાથ ધર્યું છે. અહીં તમે પ્લાસ્ટિકની બેગ, બોટલ, દૂધ-છાશની થેલી વગેરેનો કચરો જમા કરાવો, તો સામે પૈસા મળે છે! એક કિલોના ૧૦ રૂપિયા અને ૧ કિલો પ્લાસ્ટિક વોટર બોટલના ?૨૩! રૂપિયાની સાથે એક કિલો પ્લાસ્ટિક સામે ૨ કિલો ખાતર પણ નાગરિકો મેળવી શકે છે. મહુવાને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના ઉદ્દેશથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, અને નગરપાલિકા વિસ્તારના ૯ વોર્ડમાં ૧૪ પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. નાગરિકો ત્યાં હોંશે હોંશે કચરો જમા કરાવવા પણ આવી રહ્યાં છે. સમગ્ર શહેરમાંથી એકત્ર કરવામાં આવેલા પ્લાસ્ટિક વેસ્ટના રિસાયકલિંગ માટેનો પ્લાન્ટ પણ આ કંપની અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ઊભો કરાયો છે. આ પ્લાન્ટમાં એકત્ર કરાયેલા પ્લાસ્ટિક વેસ્ટનું વર્ગીકરણ કરવામાં આવે છે.

બીજી તરફ કચ્છમાં એક અશિક્ષિત શ્રમિક મહિલાએ, અન્ય ૬૦ મહિલાઓને સાથે જોડીને, કચ્છના દરેક ગામના પાદરને પ્લાસ્ટિકથી મુક્ત કરવાની ઝુંબેશ શરૂ કરી છે. ભુજ તાલુકાના અવધનગર ગામે, અવધનગરના કુળદેવી કૃપા સખી મંડળની મહિલાઓ અને તેમની સાથે કચ્છના અન્ય ગામોથી જોડાયેલી મહિલાઓ ઘરે ઘરે જઇને વેસ્ટ પોલિથીન એકત્ર કરે છે, અને તેમાંથી વણાટકામ મારફતે અવનવી ચીજો બનાવીને રોજગારી મેળવી રહી છે. આર્ત્મનિભર મહિલા બનવાની સાથે તેઓ પર્યાવરણને બચાવવાનું પણ કામ કરી રહી છે. આ ઝુંબેશમાં રોજ વધુને વધુ મહિલાઓ જોડાતી જઇ રહી છે.

આ સખી મંડળના પ્રમુખ રાજીબેન વણકર છે, જેઓ અન્ય મહિલાઓને પ્રેરણા આપી રહ્યાં છે. અત્યારે ૬૦ મહિલાઓ તેમાં સામેલ છે. મહિલાઓને પ્લાસ્ટિક એકત્ર કરીને તેનું કટિંગ કરવા અને તેને ધોવા માટેનું મહેનતાણું ચૂકવવામાં આવે છે. પ્લાસ્ટિક વીણતા બહેનોને પણ પ્રતિ કિલો ? ૧૫ આપવામાં આવે છે. અમુક મહિલાઓ વણાટકામ કરી કાપડ બનાવવાનું કામ કરે છે. તેઓ પર્સ, થેલા, હેન્ડ પર્સ, વોલેટ, ચશ્માના કવર, ટ્રે, ફોલ્ડર, લેપટોપ બેગ વગેરે વસ્તુઓ બનાવે છે. દરેક બહેનને તેના કામ મુજબ મહેનતાણું આપવામાં આવે છે. રાજીબેન કહે છે કે સરકાર દ્વારા આર્થિક તથા માર્કેટીંગ સહિતની જે સહાય આપવામાં આવે છે તેના કારણે મહિલાઓને ર્સ્વનિભર બનવા સ્વબળ મળે છે. બાયોડીગ્રેડેબલ અને પ્લાસ્ટિક વેસ્ટના ક્ષેત્રે રાજીબેનની કામગીરીની કદરરૂપે તાજેતરમાં જ તેઓને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ પ્રકારની ઝુંબેશો, ગુજરાતમાં પર્યાવરણના જતન અને ગ્રીન ગ્રોથ માટે મહત્વપૂર્ણ બની રહી છે. વાત રાજકોટની કરીએ તો ધોરાજી તાલુકો પ્લાસ્ટિકને રિસાઈકલ કરવામાં રાજ્યભરમાં અગ્રેસર છે. ગુજરાતભરમાં પ્લાસ્ટિક રિસાઇકલનું સૌથી મોટું ક્લસ્ટર એકમાત્ર ધોરાજીમાં છે. વર્તમાનમાં ધોરાજી તાલુકામાં ૪૫૦થી વધારે ફેકટરીઓ પ્લાસ્ટિકના કચરાને રિસાઇકલ કરી દોરી-દોરડા, બોક્સ પટ્ટી, પાઈપ, સુતરી સહિતની ચીજ-વસ્તુઓ બનાવે છે. એટલું જ નહીં, અમેરિકા,  બાંગ્લાદેશ અને આફ્રિકન દેશોમાં તેની નિકાસ પણ કરવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં, ગુજરાતમાં થઇ રહેલી આ પ્રકારની ઝુંબેશો એક મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. હરિયાળી વૃદ્ધિમાં ગુજરાતના નોંધપાત્ર ર્નિણયો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ગ્રીન ગ્રોથમાં જેમ જેમ ગુજરાત આગળ વધી રહ્યું છે, તેમ તેમ આ દિશામાં રાજ્યના પ્રયાસો અન્ય પ્રદેશો માટે પ્રેરણાદાયી મોડેલ તરીકે પ્રસ્થાપિત થઇ રહ્યા છે. આવનારા સમયમાં ગુજરાતની ગ્રીન ગ્રોથ સ્ટોરી, અન્ય રાજ્યો માટે એક રોડમેપ તરીકે પ્રસ્થાપિત થશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news