ગુજરાત ગૌરવ દિવસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

  • ૬૫માં ગુજરાત સ્થાપના દિવસની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • ગુજરાતના ઘડતરમાં યોગદાન આપનારા સૌના સ્મરણનો અવસર આ ગુજરાત ગૌરવ દિવસ છે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • ગુજરાત અમૃતકાળમાં દેશ અને દુનિયાને વિકાસનું આગવું દિશાદર્શન કરાવનારું મોડેલ સ્ટેટ બનશે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • એક દાયકા પછી 2035માં ગુજરાતની સ્થાપનાનો હીરક મહોત્સવ ઉજવાશે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  •  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને ગુજરાત ગૌરવ દિવસ અવસરે પાઠવેલો પ્રજાજોગ સંદેશ અક્ષર: આ પ્રમાણે છે.

સૌને નમસ્કાર, ગુજરાતના ૬૫માં ગૌરવવંતા સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ..

મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજીકૃષ્ણ વર્મા, રવિશંકર મહારાજ, ઇન્દુચાચા, વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા લોકસેવકોની પૂણ્યભૂમિ એટલે ગુજરાત. આઝાદી સંગ્રામના શૌર્યભર્યા ઇતિહાસની ભૂમિ એટલે ગુજરાત. ૧૯૬૦માં અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા ગુજરાતની યશગાથા અને સમૃદ્ધ વારસામાં દરેક ગુજરાતીનું યોગદાન છે. નામી-અનામી જેણે-જેણે ગુજરાતના ઘડતરમાં યોગદાન આપ્યું છે તે સૌના સ્મરણનો અવસર આ ગુજરાત ગૌરવ દિવસ છે.

ગુજરાત આજે વિકાસની એવી ઊંચાઇ પર છે કે વિશ્વ આખું ગુજરાત તરફ આકર્ષાયુ છે. ‘ડગલું ભર્યું કે ના હટવું’ની કવિ નર્મદની પંક્તિઓ ચરિતાર્થ કરીને ગુજરાતે વિકાસ માર્ગે મક્કમતાથી ડગ માંડયા છે. દેશ અને દુનિયાના વિકસિત રાષ્ટ્રોના એક્સપર્ટ હોય કે અર્થશાસ્ત્રીઓ સૌ કોઇ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાથી પ્રભાવિત છે.

આ વર્ષનો ગુજરાત ગૌરવ દિવસ આપણા માટે પથદર્શક છે. એક દાયકા પછી 2035માં ગુજરાતની સ્થાપનાનો હીરક મહોત્સવ આપણે ઉજવવાના છીએ. 2025થી 2035ના આ આખાય દાયકાને “ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ” તરીકે ઉજવવાનો રોડ મેપ આપણે તૈયાર કર્યો છે. આ હીરક મહોત્સવ ગુજરાતીઓના સન્માન સાથે સમૃદ્ધ ઇતિહાસ તથા સાંસ્કૃતિક મૂલ્યોની ઉજવણીનો જન ઉત્સવ બનાવવાની નેમ છે.

એક વાત દીવા જેવી સ્પષ્ટ છે કે, ૧૯૬૦ થી ર૦૦૦ના ચાર દાયકામાં ગુજરાત જ્યાં હતું ત્યાંથી પાછલા અઢી દાયકામાં અનેકગણું આગળ વધી ગયું છે. આ વિકાસના પાયામાં છે ર૦૦૧થી ગુજરાતને મળેલી શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપ. વિકાસની રાજનીતિનો નવો યુગ ગુજરાતે વિકસાવ્યો છે અને વિકાસનું રોલ મોડેલ બની ગયું છે.

વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દિશાદર્શનમાં દેશના આ અમૃતકાળમાં હવે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો આપણો નિર્ધાર છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત@૨૦૪૭ના નિર્માણમાં સુશાસનની પણ એટલી જ મહત્વની ભૂમિકા છે. આપણે સુશાસનની દિશા અને બંધારણના મૂલ્યોને સુપેરે જાળવી રાખીને રાષ્ટ્ર નેતાઓની પ્રેરણા તથા આશીર્વાદ સાથે વિકાસની યાત્રા અવિરત જારી રાખવી છે.

ડૉ. બાબા સાહેબ આંબેડકરે ઘડેલા સંવિધાનના ૭૫ વર્ષની ગરિમામય ઉજવણી, સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતી અને ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી, ગુડ ગવર્નન્સના પ્રણેતા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીનું જન્મ શતાબ્દી વર્ષ. આ બધી જ ઉજવણીઓથી રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જન જનમાં જગાવવો છે.

૨૦૪૭માં દેશની આઝાદીની શતાબ્દી ઉજવીએ ત્યાં સુધીના ૨૫ વર્ષનો કાલખંડ અમૃતકાળ સાથે કર્તવ્યકાળ પણ છે. આ કર્તવ્ય કાળમાં વિકસિત ભારત@૨૦૪૭માં ગુજરાત અને ગુજરાતીઓ પોતાનું સંપૂર્ણ યોગદાન આપવા સજ્જ છે.

આજે જ્યોતિગ્રામ યોજનાથી ૨૪ કલાક સતત થ્રી ફેઇઝ વીજળી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ગામો સુધી મળી રહી છે. વીજળી ઉત્પાદનની ક્ષમતા ૮૭૫૦ મેગાવૉટમાંથી વધીને લગભગ ૫૩ હજાર મેગાવોટ થઈ છે. ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય છે. જ્યાં ગેસ ગ્રીડ, વોટરગ્રીડ અને ઇલેક્ટ્રીસિટી ગ્રીડનું નિર્માણ થયું છે. વીજળી, પાણી સાથોસાથ આરોગ્ય સેવાઓ. શિક્ષણ અને અન્ય સામાજિક સેવાઓમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. સમ્યક અને સર્વ સ્પર્શી વિકાસ કેવો હોય તેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે.

ગરીબ, અન્નદાતા-ખેડૂત, યુવાશક્તિ અને મહિલા એમ ગ્યાનશક્તિ આધારિત વિકાસનો ધ્યેય સાકાર કરવાની દિશા લીધી છે. આદિજાતિ હોય કે ગરીબ, વંચિત, છેવાડાનો માનવી હોય, કલ્યાણકારી યોજનાઓના લાભ દરેક લાભાર્થીને 100 ટકા પહોંચે છે. વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં આપણે સેચ્યુરેશન એપ્રોચ અપનાવ્યો છે.

ઔદ્યોગિક-સાંસ્કૃતિક-સામાજિક વિકાસની સાથે આપણે વર્લ્ડ ક્લાસ અર્બન ડેવલપમેન્ટને વધુ ગતિ આપવા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. ૨૦૪૭ સુધીમાં ૭૦ ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે એવા અંદાજ સાથે અર્બન પ્લાનિંગ કર્યું છે.

વેપારી રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાતમાં મૂડીરોકાણ વધે, નવા વેપાર ઉદ્યોગો વિકસે તે માટે શ્રી નરેન્દ્રભાઈએ ૨૦૦૩થી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆત કરાવી હતી. વાઈબ્રન્ટ સમિટના પરિણામે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થઈ છે. ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરનારી આ સમિટે ૨૦ વર્ષની યાત્રા પૂરી કરી છે.

ગુજરાત ગ્લોબલ ગેટ વે ટુ ધ ફ્યુચર બન્યું છે. હવેનો જમાનો સોલાર, વિન્ડ અને હાઈબ્રીડ રીન્યુઅલ એનર્જીનો અને ગ્રીન હાઈડ્રોજનથી ગ્રીન ગ્રોથનો છે. ગુજરાતે તો એ દિશામાં ક્યારનુંય આયોજન કરી દીધું છે. આપણી રિન્યુએબલ એનર્જી કેપેસિટી દેશની કુલ કેપેસિટીના ૧૫ ટકા થઈ છે. સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત ત્રણ લાખથી વધુ ઘરો આવરી લઈને બહુ આગળ નીકળી ગયું છે.

ગુજરાત વિકાસનું જે રોલ મોડલ બન્યું છે, તેને વિકસિત ગુજરાત @૨૦૪૭ દ્વારા આપણે વધુ નવી ઉંચાઈ આપવી છે. આ માટે વિકસિત ગુજરાત@ ૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટથી સંપૂર્ણ યોગદાન આપવા કમર કસી છે. દેશમાં આવું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરનારા પ્રથમ રાજ્યનું ગૌરવ આપણે મેળવ્યું છે.

ગુજરાતમાં અત્યાર સુધીના થયેલા અવિરત વિકાસને પાયામાં રાખીને આ વિઝન ડોક્યુમેન્ટમાં દેશના અમૃતકાળના આગામી ૨૫ વર્ષ માટે રાજ્યના ભાવિ વિકાસના લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે. આર્થિક વિકાસના યોગ્ય સંસાધનો, આવકના સ્ત્રોત સૌને ઉપલબ્ધ કરાવીને દરેક પરિવારની આર્થિક સમૃદ્ધિને અર્નિંગ વેલથી સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય છે.

પરંપરાગત ઉદ્યોગોથી આગળ વધીને આપણે રાજ્યમાં હાઈટેક ઇન્ડસ્ટ્રીઝ સ્થાપનાને વેગ આપ્યો છે. સેમિકન્ડક્ટર જેવા નવા ક્ષેત્રો માટે નીતિ નિર્માણના પરિણામે રાજ્યમાં ત્રણ-ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ આકાર લઈ રહ્યા છે. AI આધારિત ઉદ્યોગોને વેગ આપવા માટે ગિફ્ટ સિટી ખાતે એ.આઈ. સેન્ટર ઓફ એકસેલન્સની સ્થાપના કરી છે.

રાજ્યમાં હાઈ વેલ્યૂ જોબ ક્રિએશન માટે આપણે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી તાજેતરમાં જ જાહેર કરી છે. ગિફ્ટ સિટી ખાતે ઇન્ફીનિયન ટેકનોલોજીનું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પણ કાર્યરત થયું છે. રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં ઇન્ફ્રાસ્ટક્ચર ડેવલપમેન્ટની પણ એટલી જ મહત્વની ભૂમિકા છે.

નીતિ આયોગની મદદથી સુરત અને તેની આસપાસના વિસ્તારના સ્ટ્રેટેજીક ડેવલોપમેન્ટ માટે સુરત ઈકોનોમીક રીજીયન ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પણ આવા માસ્ટર પ્લાન બનાવવાનું આપણું આયોજન છે. વિકાસની તકો વધારવાની સાથે સાથે લોકોનું જીવનધોરણ સરળ બને તે માટે આપણે લિવિંગ વેલ પર ફોકસ કરીને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યાં છીએ. અર્નિંગ વેલ અને લિવિંગ વેલની વિભાવના સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પર્યાવરણ અનુકૂળ વિકાસનું આપણું લક્ષ્ય છે.

પર્યાવરણ જાળવણીથી ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવાની આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને પ્રેરણા આપી છે. ગુજરાતે એનો પ્રતિસાદ આપતાં વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટે ‘કેચ ધ રેઈન’ની રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. એક પેડ માં કે નામ’ અન્વયે વધુને વધુ વૃક્ષો વાવીને ધરતી માતાને હરિયાળી કરવાનો નિર્ધાર આપણે કર્યો છે. મહાનગરોમાં અર્બન ફોરેસ્ટ ઊભાં કરવાના છીએ. આપણાં અમદાવાદે તો ૭૦ લાખથી વધુ વૃક્ષો વાવીને એ દિશામાં આગવું ઉદાહરણ પુરું પાડ્યું છે.

સ્વચ્છતા સાથે સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે આપણે મેદસ્વિતા મુક્ત ગુજરાતનો સંકલ્પ કર્યો છે. આપણું અને ધરતી માતાનું બન્નેનું સ્વાસ્થ્ય સારું રાખવા રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી માટે વધુને વધુ ખેડૂતોને પ્રેરિત કરવા છે. આવા સામાજિક જાગૃતિના અભિયાનોને વેગવંતા બનાવીને દરેક નાગરિક માટે લિવિંગ વેલને વધુ સંગીન કરવાની નેમ રાખી છે.

ગુજરાતને અમૃતકાળમાં દેશ અને દુનિયાને વિકાસનું દિશાદર્શન કરાવનારું મોડેલ સ્ટેટ બનાવવું છે. આપણો તો એક જ સંકલ્પ છે-ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રોમાં પ્રથમ ક્રમે રહે. આજના ગુજરાત ગૌરવ દિવસે વિકસિત ભારત@૨૦૪૭ માટે વિકસિત ગુજરાતનો અને ગુજરાતના વિકાસ માટે સમર્પિત થવાનો સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. ફરી એકવાર, સૌને ગુજરાત ગૌરવ દિવસની અનેક અનેક શુભેચ્છાઓ.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news