મચ્છુ નદી પરના ઝૂલતા પુલના દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકોનો શિક્ષણ ખર્ચ ઉપાડવા જીસીસીઆઈએ સહાય કરવા કલેક્ટરને પાઠવ્યો પત્ર
અમદાવાદઃ ગત દિનાંક 30 ઓક્ટોબર, 2022 રવિવારના દિવસે મોરબી સ્થિત મચ્છુ નદી પર પુલ તૂટી જવાથી થયેલ હૃદયદ્રાવક દુર્ઘટના પરત્વે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના તમામ સભ્યો દ્વારા દિલસોજી વ્યક્ત કરવામાં આવી છે. આ ખુબજ દુઃખદ પ્રસંગે જીસીસીઆઈ તરફથી શક્ય તમામ સહાયતા અંગે ખાતરી આપવામાં આવી છે. આ સહાય કરવા માટે ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવ્યો હતો.
ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું, “આપણા રાજ્યમાં જયારે જયારે આવી કોઈ કુદરતી કે માનવસર્જિત હોનારત સર્જાઈ છે, ત્યારે રાજ્યના મહાજનોએ આગળ આવી રાહત કાર્યો તેમજ પુનર્વસવાટ અંગે પોતાની તમામ શક્ય મદદ પુરી પાડેલ છે. આ પરંપરાને જાળવી રાખવા ઉપરોક્ત મોરબી દુર્ઘટના અંગે જીસીસીઆઈ શક્ય તમામ મદદ પુરી પાડવા તત્પર છે.”
“ખાસ તો ઉપરોક્ત દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાને કારણે અનેક મૃત્યુ થયેલ છે તેમજ અનેક બાળકોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ છે. અનેક કિસ્સાઓમાં કુટુંબના જીવનનિર્વાહની જવાબદારી નિભાવનાર મોભી વ્યક્તિઓએ પોતાનું જીવન ગુમાવેલ છે. આવા અનાથ થયેલ બાળકોને તેમના શિક્ષણ પરત્વે સહાયરૂપ થવા અમે તત્પર છીએ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ વ્યવસાયિક તેમજ ઔદ્યોગિક એકમો થકી અમે આવા નિરાધાર થયેલ બાળકોના શિક્ષણ માટે નાણાકીય સહાય તેમજ કુટુંબના સભ્યને રોજગાર પુરો પાડવા અંગે સહાય કરવા ઇચ્છીએ છીએ.” તેમ પથિક પટવારીએ વધુમાં જણાવ્યું હતુ.