ફોર્બ્સ મેગેઝીને દુનિયામાં દિગ્ગજ અરબપતિઓનું લિસ્ટ ફરીથી જાહેર કર્યું, આ વખતે અરબપતિ બનવાનો આખેઆખો ખેલ પલટાયો

દિલ્હી: દુનિયામાં દિગ્ગજ અરબપતિઓનું લિસ્ટ ફરીથી જાહેર થઈ ગયું છે. આ વખતે અરબપતિ બનવાનો આખેઆખો ખેલ પલટાયો છે. એલન મસ્કને પછાડીને બર્નાર્ડ અરનાલ્ટ દુનિયાના સૌથી અમીર શખ્સ બની ગયા છે. ફોર્બ્સ મેગેઝીન દ્વારા દુનિયાના સૌથી અમીર શખ્સોનું લિસ્ટ જાહેર કરાયું છે. જેમાં બર્નાર્ડ અરનાલ્ટે એલન મસ્કને પાછળ છોડી દીધા છે. બર્નાર્ડ અરનાલ્ટની નેટવર્થ વધીને ૨૦૭.૬ અરબ ડોલર પર પહોંચી ગઈ છે.

ફોર્બ્સ બિલિયોનર્સ ઈન્ડેક્સ મુજબ, બર્નાર્ડ અરનાલ્ટની નેટવર્થ ૨૦૭.૬ અરબ ડોલર પર પહોંચી ગઈ છે. બ્લૂમબર્ગ મુજબ, તેમની સંપત્તિમાં એકઝાટકે ૧૮.૬ અરબ ડોલરનો ઉછાળો આવ્યો છે. આ ઉછાળને કારણે તેઓ એલન મસ્કથી આગળ નીકળી ગયા છે. મસ્કની કંપની ટેસ્લના શેરમાં પણ ભારે ઘટાડો આવ્યો છે. તેથી એલન મસ્કની નેટવર્થમાં ઘટાડો થઈને ૨૦૪.૭ અરબ ડોલર થઈ ગઈ છે. હવે બંને અરબપતિઓ વચ્ચેનું અંતર ૨.૯ અરબ ડોલરનું થઈ ગયું છે.

આ યાદીમાં ટોપ ટેનમાં ભારતનો કોઈ અબજપતિ સામેલ નથી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી  ૧૦૪ બિલિયન ડોલર (લગભગ રૂ. ૮.૬૪ લાખ કરોડ)ની નેટવર્થ સાથે ૧૧મા સ્થાને છે. જ્યારે ગૌતમ અદાણી આ યાદીમાં ૧૬માં નંબરે છે. તેમની કુલ સંપત્તિ ૭૫ અબજ ડોલર (રૂ. ૬.૨૩ લાખ કરોડ) છે.

બર્નાર્ડ આર્નોલ્ટને આધુનિક લક્ઝરી ફેશન ઉદ્યોગના ગોડફાધર માનવામાં આવે છે. તેઓ વિશ્વના સૌથી મોટા ફેશન જૂથ લૂઈસ વીટન મોટ હેનેસીના સ્થાપક, અધ્યક્ષ અને સૌથી મોટા શેરહોલ્ડર છે. માર્કેટ કેપની દૃષ્ટિએ બર્નાર્ડનું જૂથ તેના નજીકના હરીફ કેરિંગ કરતાં લગભગ ચાર ગણું મોટું છે. LVMH પાસે ૬૦ પેટાકંપનીઓની ૭૫ લક્ઝરી બ્રાન્ડ્‌સ છે.