દિલ્હીનાં ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ, ૨૫૦ દુકાનો બળીને ખાખ
દિલ્હીમાં ફરી એકવાર અગ્નિનું તાંડવ જોવા મળ્યુ છે. અહીં શાસ્ત્રી પાર્ક વિસ્તારનાં ફર્નિચર માર્કેટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગને કારણે ૨૫૦ થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. જ્યારે આગમાં ફસાયેલા ૮ લોકોને સમયસર બહાર કાઠવામાં આવ્યા છે. આગ મોડી રાત્રે ૧૨.૪૫ વાગ્યે શરૂ થઈ હતી.
આગની જાણ થતા જ ફાયર વિભાગની ૩૨ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી પડી હતી. ફાયર વિભાગનાં અધિકારીએ જણાવ્યું હતું કે, સવારે ૩ વાગ્યાની આસપાસ આગને કાબૂમાં લેવામાં આવી હતી. દિલ્હી ફાયર સર્વિસમાં આસિસ્ટન્ટ ડિવિઝનલ ઓફિસ રાજેશ શુક્લાનાં જણાવ્યા અનુસાર, ‘શાસ્ત્રી પાર્કમાં ફર્નિચર માર્કેટમાં આગ લાગી હતી. ફાયરની ૩૨ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાની શરૂઆત કરી હતી. આઠ લોકોને બહાર કાઠવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં આગની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્રણ દિવસ પહેલા દિલ્હીનાં દિલશાદ ગાર્ડન ઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગી હતી. સવારે ચાર માળની બિલ્ડિંગમાં આવેલી એક સ્ટેશનેરીનાં વેરહાઉસમાં આગ લાગી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ કેટલી ભયાનક હતી તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે આ આગને કાબૂમાં લેવા ૧૫ ફાયર બ્રિગેડની ગાડીઓને સ્થળ પર મોકલવામાં આવી હતી. દિલ્હી ફાયર સર્વિસનાં ડિરેક્ટર અતુલ ગર્ગે કહ્યું હતું કે આગ સ્ટેશનરી વેરહાઉસમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી.