ફર્ટિલાઈઝર પ્લાન્ટમાં ભીષણ આગ : સ્થાનિકોને હટાવાયા
અમેરિકાની એક ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી. જે બાદ પ્લાન્ટથી ૧ કિલોમીટરની આસપાસના બધા જ વિસ્તારમાંથી ૬ હજાર લોકોને હટાવી દેવામાં આવ્યા હતા. દુર્ઘટના સમયે પ્લાન્ટમાં ૬૦૦ ટનથી વધુ એમોનિયમ નાઈટ્રેટ હાજર હતું, પરંતુ સદનસીબે કોઈનું મૃત્યુ ન થયું કે ન કોઈને ઈજા થઈ. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જયારે ઘટના સ્થળે આગ શરૂ થઈ ત્યારે અહીં ૫૦૦ ટન એમોનિયમ નાઈટ્રેટ, ૫,૦૦૦ ટન ફર્ટિલાઇઝર હતું, જયારે બીજું ૧૦૦ ટન એમોનિયમ નાઈટ્રેટ આ ઘટના સ્થળે હાજર રેલકારમાં હતું. વિન્સ્ટન સાલેમના ફાયર બ્રિગેડ હેડ ટ્રે મેયોએ કહ્યું – મામલો એટલો ગંભીર છે કે હું તેને શબ્દોમાં વર્ણવી શકતો નથી. જો તમે પ્લાન્ટની આસપાસના એક માઈલના અંદરની અંદર છો તો તમારે આ વિસ્તાર છોડીને જવાની જરૂર છે.
ફાયર બ્રિગેડની ટીમે સોમવારે સ્થાનિક સમયાનુસાર સાંજે ૬ઃ૪૫ કલાકે કોલનો જવાબ આપ્યો અને અડધો કલાક સુધી આગ બુઝાવવાના પ્રયાસો કર્યા એ પછી વિસ્ફોટના જોખમને કારણે આગ ઓલવવાના તેમના પ્રયાસો અટકાવી દીધા હતા.
ઉત્તર કેરોલિના રાજ્યના જોખમી મટિરિયલના નિષ્ણાત મેથ્યુ સ્મિથે જણાવ્યું હતું કે ‘અત્યારે, અમે રાહ જોવાની રમતમાં છીએ. અગ્નિશામકો અંદર જાય અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરે તે યોગ્ય નથી. જેમ જેમ આગ બળી રહી છે, તેનું બળતણ પણ ઓછું થઈ રહ્યું છે.’ આગના લાગવાના સમયે પ્લાન્ટમાં ૬૦૦ ટનથી વધુ એમોનિયમ નાઈટ્રેટ હતું. અગાઉ ૨૦૧૩માં ટેક્સાસના એક પ્લાન્ટમાં ૨૪૦ ટન એમોનિયમ નાઈટ્રેટમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે આ વિસ્તારના ૨૦૦ ઘરો ધરાશાયી થયા હતા અને ૧૫ લોકોના મોત થયા હતા. અકસ્માત સમયે પ્લાન્ટમાં એટલો બધો વિસ્ફોટક હતો કે જો વિસ્ફોટ થાય તો એક કિલોમીટરના વિસ્તારમાં જમીન સમતલ થઈ જાય. સંભવિત જોખમને કારણે નોર્થ હિલ્સ એલિમેન્ટરી સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. સાથે જ વેક ફોરેસ્ટ યુનિવર્સિટીના કલસા પણ રદ કરી દેવામાં આવ્યા છે. આ સાથે વિદ્યાર્થીઓ અને સ્ટાફને હોસ્ટેલ છોડી દેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.