આંધ્રમાં ફાર્મા યુનિટમાં વિસ્ફોટ, 10 લોકોના મોત, 30થી વધુ ઘાયલ
અનાકાપલ્લે: આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં આજે બુધવારે અચ્યુથાપુરમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં એક ફાર્માસ્યુટિકલ યુનિટમાં રિએક્ટરમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 કામદારોના મોત થયા હતા અને 30થી વધુ ઘાયલ થયા હતા.
ગૃહમંત્રી વંગાલાપુડી અનિતાએ અકસ્માતની તપાસ કરવા સાથે જ જિલ્લા કલેક્ટર વિજય કૃષ્ણનને પીડિતોને વધુ સારી તબીબી સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટના સમયે ફાર્મા કંપનીમાં 200થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા. વિસ્ફોટના કારણે ફાર્મા યુનિટના પહેલા માળનો સ્લેબ ધરાશાયી થયો છે જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે. કેટલાક કામદારો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. અનાકાપલ્લે અને આસપાસના વિસ્તારોમાંથી 10થી વધુ ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ આગને બુઝાવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.
અનાકાપલ્લે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આ ઘટનામાં દાઝી ગયેલા કામદારોને અનાકાપલ્લે શહેરની એનટીઆર હોસ્પિટલ, વિઝાગ શહેરની કેજી હોસ્પિટલ અને અન્ય કેટલીક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
શ્રમ મંત્રી વાસમસેટ્ટી સુભાષે જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા સ્પષ્ટ નથી અને બચાવ કાર્ય હજુ ચાલુ છે. તેમણે કહ્યું કે થર્ડ પાર્ટી એજન્સીઓ દ્વારા ફેક્ટરીઓનું મોનિટરિંગ ઉદ્યોગોમાં વારંવાર થતા અકસ્માતોનું મુખ્ય કારણ છે.
*Symbolic Image