છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું
છોટાઉદપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસિમેલ ગામ નજીક પાણીનો ધોધ પડતાં અદભુત દૃશ્યો જોવા મળ્યાં હતાં. વરસાદી માહોલ હોવાથી નસવાડી તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને લઇને ડુંગર વિસ્તારમાં કુદરતી ધોધનો અદભુત નજારો જાેવા મળી રહ્યો છે. નસવાડીથી ધારસિમેલ ગામ ૩૦ કિમી દૂર આવેલું છે. રવિવારે ભારે વરસાદ થતાં ધારસિમેલનો ધોધ શરૂ થયો છે, જેને લઇને પ્રવાસીઓનો ધસારો શરૂ થઇ ગયો છે. જાેકે કાચો રસ્તો હોવાથી પ્રવાસીઓને ધોધ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જ્યાં પાણીનો ધોધ પડે છે ત્યાં મોટો ૮ ફૂટની ઊંડાઇ ધરાવતો ખાડો પડ્યો હોવાથી પ્રવાસીઓ મજા માણવા જાય તો સાવચેતી રાખે એ જરૂરી બન્યું છે, સાથે સરકારી તંત્ર ધારસિમેલ ગામે વહેતાણીના ધોધ સુધી સુવિધાઓ કરે એવી માગ ઊઠી છે.
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે તમામ ધોધમાંથી હાલ પાણી વહી રહ્યા છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં હાલ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. ભારે વરસાદ બાદ કોતરોમાં પાણી વહી રહ્યા છે. સાથે ડુંગરોના ગામડામા લીલોતરી છવાઇ ગઇ છે. જેમાં કુકરદા ગામે ડુંગર વિસ્તારનું સૌથી મોટું ગામ છે. આ ગામના ડુંકતા ફળીયા પાસે કુદરતી પાણીનો ધોધ ૩૦ ફૂટ ઊંચાઇથી વહી રહ્યો છે અને ધોધની પોહળાઇ પણ વધુ હોવાથી વહેતા પાણીના નયનરમ્ય દૃશ્યો સર્જાયા છે. ભર ઉનાળે ડુંગર વિસ્તારના ગામડાઓમાં પાણીની સમસ્યાઓ ખૂબ ઉભી થાય છે. પરંતુ, હાલ અહીં પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે અને ડુંગર વિસ્તારના સૌંદર્યમાં કુદરતી વહેતા પાણીના ધોધ વધારો કરી રહ્યા છે. ચાલુ વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે. જેના કારણે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા પીપલવાળી, ખોખરા, વાડીયા, બુધાઝુલધા ગામોમાં કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલ્યું હોય તેવા પાણીના ધોધ સાથે ઝરણા સફેદ દૂધ જેવા વહી રહ્યા છે. રાજ્યના પ્રવાસીઓ દૂર દૂર સુધી ધોધની માણવા જાય છે. નસવાડીના ડુંગર વિસ્તારના અનેક ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
છોટાઉદેપુરના નસવાડીમાં સારો વરસાદ થતાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે, તો ધારસિમેલ ગામમાં કુદરતી પાણીનો વહેતો ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. નસવાડીના ડુંગર વિસ્તારના ધારસિમેલ ગામમાં ૬૦ ફૂટ ઊંચાઇથી કુદરતી પાણીના ધોધનો નજારો માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.