ગાંધીનગરનાં રાયસણ ખાતે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ૧૪મી ઓગસ્ટે યોજાશે
આગામી ૧૪મી ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ગાંધીનગરનાં રાયસણ ખાતે મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે. આ દિને અત્રેના લીમ્બચ માતાના મંદિર ખાતે ૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવનાર છે. ઉપરાંત અહીં વિવિધ પ્રકારના રંગબેરંગી પુષ્પોના છોડ વાવીને બ્યુટીફીકેશન પણ કરવામાં આવશે.
ગાંધીનગરનાં વિકાસની સાથે વૃક્ષોનું મોટા પ્રમાણમાં નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. એમાંય વળી કોરોના મહામારી દરમિયાન ઓક્સિજન ની અછત સર્જાતા નગરજનોમાં કુદરતી ઓક્સિજનના સૌથી મોટા સ્રોત એવા વૃક્ષોનું મહત્વ સમજાઈ ગયું છે. જેનાં કારણે નગરજનો વૃક્ષોનું વાવેતર અને જતન કરતા થઈ ગયા છે.
આગામી ૧૪મી ઓગસ્ટના રોજ સવારે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ગાંધીનગરના રાયસણ પીડીપીયુ રોડ પર આવેલ લીમ્બચ માતાના મંદિર ખાતે યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમ મંત્રી ઈશ્વર પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે. જે અન્વયે અત્રે ૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. તેમજ અહીં રંગબેરંગી છોડ વાવીને મંદિર વિસ્તારનું બ્યુટીફીકેશન પણ કરવામાં આવશે.
આ અંગે ગાંધીનગરનાં વન તંત્ર અધિકારી એસ. એમ. ડામોરે જણાવ્યું હતું કે, ૧૪મી ઓગસ્ટે જિલ્લા કક્ષાના વન મહોત્સવ પીડીપીયુ રોડ ખાતે યોજવામાં આવશે. આ પ્રસંગે વિવિધ પ્રકારના લાંબી આયુષ ધરાવતા ૫૦૦ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. ઉપરાંત નાગરિકો વધુને વધુ વૃક્ષારોપણ કરે માટે બે રથ પણ કાઢવામાં આવશે. જેના થકી આશરે ૨ હજાર જેટલા રોપાનું પણ નગરજનોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.