ગાંધીનગરના રાયસણ ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સ્વની ઊજવણી કરાઇ
ગાંધીનગરના રાયસણ ખાતે લીંબજ માતાજી સેવા ટ્રસ્ટના ઉપક્રમે જિલ્લા કક્ષાના ૭૨ માં વન મહોત્સવની સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.
આ પ્રસંગે દીપ પ્રાગટય કરી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, વનીકરણ કાર્યક્રમને સાર્થક કરવા માટે આપણે સૌએ વૃક્ષોનું જતન કરવું ખૂબ જરૂરી છે, તો જ આપણા સૌનું ‘ હરિયાળા ગુજરાત’ નું સપના સાકાર થશે. સમગ્ર દેશમાં વૃક્ષો અંગેની જાગૃતિ લાવવા માટે અને વૃક્ષોની સંખ્યા વધારવા માટે વન મહોત્સવનો આરંભ ગુજરાતના સપૂત કનૈયાલાલ મુનશીએ વર્ષ- ૧૯૫૦માં કરી હતી.
રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૪થી વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે એક સાંસ્કૃતિક વન નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો હતો. જેની ફળશ્રુતિ રૂપે ગાંધીનગરના આંગણે પુનિત વન નિર્માણ થયું છે.
પંખી વિના વૃક્ષ અને વૃક્ષ વિનાની પૃથ્વી જેમ કલ્પી શકાતી નથી, એવું કહી મંત્રીએ ઉમેર્યું હતું કે, વિના કારણે વૃક્ષોનું નિકંદન કરવું તે મહાપાપ છે. સમગ્ર સૃષ્ટિનો આધાર વૃક્ષો પર રહેલો છે. વ્યક્તિના જીવનમાં જન્મથી મરણ સુધી વૃક્ષ કેવી રીતે વણાયેલું છે, તેની ર્દષ્ટાંત પૂર્વક વાત કરી હતી. વન મહોત્સવ એટલે વૃક્ષોની પૂજા કરવાનો ઉત્સવ એવું કહી તેમણે ઉમેર્યું હતું કે, ભૌતિકવાદ થકી આજે પર્યાવરણમાં અસંતુલન આવ્યું છે. જેના કારણે આપણે સૌ ગ્લોબલ વોર્મિંગની અસરનો અનુભવ કરી રહ્યા છીએ.