વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૫ હજાર પાણીના કુંડા અને માળાનું વિતરણ કર્યું
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓના રક્ષણ માટે ૫ હજાર પાણીના કુંડા અને માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેને લઈ પક્ષીવિદોમાં આનંદની લાગણી વ્યાપી હતી. દરમાસના પ્રથમ યોજાતી રવિસભામાં વચનામૃત કથાને કેન્દ્રમાં રાખીને રવિસભા અંતર્ગત વિવિધ સેવા પ્રવૃતિઓ થઈ રહી છે. ભગવાનના ભક્તોનો ક્યારેય દ્વેષ કરવો નહી કે તેઓની અવગણના કરવી નહી, ભગવાન સર્વવ્યાપી છે પણ નિરાકાર નથી. ભગવાન આકાર સ્વરૂપે છે.
ભગવાનને નિરાકાર કહેવાએ મોટું પાપ છે. ભક્તનો દ્વેષ કે દ્રોહ કરનાર કે ભગવાનને નિરાકાર કહેનાર પર ભગવાન કદી રાજી થતા નથી. સભામાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમા ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાતના સ્પેરોમેનનું બિરૂદ પામેલ જગત કિનખાબવાળાએ જણાવ્યું હતું કે, પોતાને બુધ્ધિશાળી માનતા માણસને કારણે પર્યાવરણનું સમતુલન ખોરવાઈ ગયું છે.
વૃક્ષ નિકંદનના કારણે ચકલી જેવા પક્ષીઓ નામશેષ થઈ રહ્યા છે. માણસ પૃથ્વીનો માલિક હોય તેવો વર્તાવ કરી રહ્યો છે. તેઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવેલ કે, એક સમય એવો આવશે કે ચકલી બચાવવાનું તો બાજુએ રહેશે પણ માણસ બચાવવો પડશે ! કારણ કે, પશુપક્ષી કે વૃક્ષોનું મહત્ત્વ આપણે સમજી શક્યા નથી અને એક સમય એવો આવશે કે પૃથ્વી બચાવો ને માનવજાત બચાવો એવા અભિયાન શરૂ કરવા પડશે. વૃક્ષોના નિકંદનને કારણે વરસાદ ઓછો થઈ રહ્યો છે. તમામ સમસ્યાનું સોલ્યુશન વૃક્ષનું જતન છે. આ સભામાં ર્ડા.સંત સ્વામી, તથા પૂ.બ્રહ્મસ્વરૂપ સ્વામીના હસ્તે હરિભક્તોને પાણીના કુંડા અને પક્ષીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એસ.પી.યુનિ.ના કાર્યકારી કુલપતિ નિરંજન પટેલ રવિસભામાં વેદાંતના સારરૂપ સરળ રજુઆતને બિરદાવીને ભારતીય જીવન પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો અને રાજુ પટેલ ધર્મજ નાઓએ પ્રાસંગીક પ્રવચન કરીને વડતાલધામ અને ગોકુલધામ નાર દ્વારા ચાલતા “ નિરોગી રહે નારી , એ પહેલ અમારી “ અભિયાન અંતર્ગત બ્રેસ્ટ અવરનેસ કેમ્પનું ચિત્ર રજુ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામ સ્વામીએ કર્યું હતું. તેઓએ આગામી ચૈત્રી સમૈયાના કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. રવિસભાના યજમાન મીત અમીતભાઈ પટેલે યજમાનપદની સેવાનો લાભ લીધો હતો. વૃક્ષોનું મહત્ત્વ ન સમજી શકતા આપણે પૃથવી બચાવો, માનવજાત બચાવો, અભિયાન શરૂ કરવા પડશે તેમ સ્પેરોમેન જગત કીનખાબવાળા જણાવ્યું છે.