કોરોના સામે ડિસ્પોઝેબલ માસ્ક સફળ પરંતુ પર્યાવરણને નુકશાન
નવીદિલ્હી : કોરોનાથી બચવા માટે ડૉક્ટરો અને નિષ્ણાતો દ્વારા ફેસ માસ્ક પહેરવા ભલામણ કરવામાં આવે છે અને માસ્કને કારણે કોરોના સામે ચોક્કસપણે બચાવ પણ થાય છે. આ જ ડિસ્પોઝેબલ માસ્ક પર્યાવરણ માટે ખતરો પુરવાર થઈ રહ્યા છે. એક અભ્યાસમાં એવી ભીતિ વ્યક્ત કરાઈ છે કે ડિસ્પોઝેબલ માસ્ક પ્રદૂષણ ફેલાવવા માટે સૌથી મોટું કારણ બની રહ્યા છે. લોકો દ્વારા મનફાવે ત્યાં માસ્ક ફેંકવાથી કચરામાં ૯,૦૦૦ ટકાનો ચિંતાજનક વધારો થયો છે. એટલું જ નહીં ઉપયોગમાં લેવાયેલા માસ્કનાં સંપર્કમાં જાે અન્ય વ્યક્તિ આવે તો તેને કોરોનાનું સંક્રમણ થઈ શકે છે. એક અંદાજ મુજબ દર મહિને રૂ. ૪,૩૦૦ કરોડના ફેસ માસ્કનું ઉત્પાદન કરવામાં આવે છે. કોરોના મહામારીના દોઢથી બે વર્ષના કાર્યકાળમાં અભ્યાસ પરથી જણાયું છે કે ફેંકી દેવાયેલા માસ્કને કારણે કચરામાં ખતરનાક સ્તરે વધારો થયો છે. આખી દુનિયામાં જે રીતે કોરોનાની એક પછી એક લહેર આવી રહી છે તેમાં માસ્કનાં ખોટી રીતે ઉપયોગને રોકવાનું પણ મુશ્કેલ છે. કોરોનાને વધતો રોકવા અનેક દેશોએ ફરી ફેસ માસ્ક ફરજિયાત બનાવ્યો છે. મોટાભાગના ડિસ્પોઝેબલ માસ્ક પ્લાસ્ટિક માઇક્રોફાઇબરમાંથી બનાવેલા હોય છે જેનો નિકાલ મુશ્કેલ છે. આખા વિશ્વમાં દર મહિને ૧૨૯ અબજ ફેસ માસ્કનો ઉપયોગ કરવામાં આવે છે. આમ દર મિનિટે ૩૦ લાખ માસ્કનો ઉપયોગ થઈ રહ્યો છે. ફેસ માસ્ક મહદંશે પ્લાસ્ટિક માઇક્રોફાઇબરમાંથી બનેલા હોય છે જેને લોકો એક દિવસ માટે પહેરીને ફેંકી દેતા હોય છે. આવનારા દિવસોમાં ૭૫ ટકા માસ્ક ક્યાં તો અન્ય ડિસ્પોઝેબલ કિટ સાથે મળીને માટીમાં ભળી જશે અથવા તો દરિયામાં વહી જશે આને કારણે વિશ્વ સામે નવા સંકટ સર્જાઈ શકે છે.