આકાશી આફતઃ હિમાચલમાં વરસાદે તબાહી મચાવી, અત્યાર સુધીમાં ૭૧ લોકોના મોત
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં તબાહી સર્જાઈ છે. અહીં સદીઓથી બનેલા ભગવાનના મંદિરો ધરાશાયી થઈ રહ્યા છે, મકાનો નષ્ટ થઈ રહ્યા છે અને ઐતિહાસિક શહેરોનું અસ્તિત્વ જોખમમાં છે. સિમલા જેવું જૂનું શહેર પત્તાના ઘરની જેમ તૂટી રહ્યું છે. દરેકના મનમાં એક પ્રશ્ન છે કે અચાનક એવું શું થઈ ગયું કે પર્વતો અને નદીઓ મનુષ્યના દુશ્મન બની ગયા છે.
રવિવારથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને જોતા રાજ્યની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભે રાજ્યના શિક્ષણ સચિવે તમામ જિલ્લા કક્ષાના અધિકારીઓને સૂચના આપ છે, જેમાં તેમણે કહ્યું છે કે ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ લેન્ડ સ્લાઈડ થઈ છે. અહીં ખતરો હજુ પણ વધુ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે ભૂસ્ખલન અને પૂરના કારણે ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાંથી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા બાદ મૃત્યુઆંક વધી ગયો હતો. રવિવારથી રાજ્યમાં ભારે વરસાદને કારણે શિમલાના સમર હિલ, કૃષ્ણા નગર અને ફાગલી વિસ્તારોમાં ભૂસ્ખલન થયું છે. હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે છેલ્લા ત્રણ દિવસમાં અત્યાર સુધીમાં ૭૧ લોકોના મોત થયા છે, જ્યારે ૧૩ લોકો હજુ પણ લાપતા છે.
મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખ્ખુએ કહ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પુનઃનિર્માણ એ પર્વત જેવો પડકાર છે. હિમાચલ યુનિવર્સિટીએ ૧૯ ઓગસ્ટ સુધી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સ્થગિત કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શિમલામાં સમર હિલ પાસે શિવ મંદિરના કાટમાળમાંથી અન્ય એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે, જેની સાથે વરસાદ સંબંધિત ઘટનાઓમાં જીવ ગુમાવનારા ૫૭ લોકોના મૃતદેહ અત્યાર સુધીમાં મળી આવ્યા છે.
માહિતી અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં લગભગ ૮૦૦ રસ્તાઓ બ્લોક છે અને ૨૪ જૂનથી ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૭,૨૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. નાયબ મુખ્ય પ્રધાન મુકેશ અગ્નિહોત્રીએ કેન્દ્રને હિમાચલ પ્રદેશમાં રાષ્ટ્રીય આફત જાહેર કરવા અને ક્ષતિગ્રસ્ત માળખાના રાહત અને સમારકામ માટે રૂ. ૨,૦૦૦ કરોડનું ભંડોળ મુક્ત કરવા વિનંતી કરી છે.