વરસાદને કારણે દિલ્હી-NCRસહિત અનેક રાજ્યોમાં તબાહી

દેશમાં ચોમાસાની શરુઆતની સાથે જ અનેક રાજ્યોમાં ભારેથી અતીભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઉત્તર ભારતમાં ચોમાસાના વરસાદે હાહાકાર મચાવ્યો છે.ઉત્તર ભારતના મોટા વિસ્તારમાંથી પસાર થતી યમુના અને તેની ઉપનદીઓ રેલમ-છેલ થઈ છે. સતત ભારે વરસાદના કારણે કેટલીય જગ્યાએ ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં લેટેસ્ટ મળતી માહિતી મુજબ ૧૯ લોકોના જીવ ગયા છે. પહાડી વિસ્તારોમાં વરસાદે પૂરનું રૂપ ધારણ કરતા રસ્તાઓ ધોવાઈ ગયા હતા.

રાજધાની દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.  દિલ્હીમાં ભારે વરસાદે ૪૧ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ૧૯૮૨ થી, જુલાઈ મહિનામાં રાજધાનીમાં આવા વાદળો વરસ્યા નથી. હિમાચલ પ્રદેશના સોલનમાં ૧૩૫ મીમી વરસાદ નોંધાયો છે. સોલનના લોકોએ છેલ્લી વખત આવો વરસાદ ૧૯૭૧માં જોયો હતો, ત્યારે પણ માત્ર ૧૦૫ મીમી વરસાદ નોંધાયો હતો. એટલે કે સોલને તેના ૫૦ વર્ષના ઈતિહાસમાં આવી આકાશી આફત જોઈ નથી. ઉનામાં પણ વરસાદે રેકોર્ડ તોડ્યો હતો. ૧૯૯૩ બાદ રવિવારે સૌથી વધુ વરસાદ ઉનામાં નોંધાયો હતો. ભારે વરસાદના કારણે સ્થિતિ એવી વણસી છે કે જેના કારણે ઘરો પણ ધોવાઈ રહ્યા છે અને ધરાશયી થયા છે.

દિલ્હી ફાયર બ્રિગેડના વડા અતુલ ગર્ગે જણાવ્યું કે, રવિવારે મુશળધાર વરસાદને કારણે ૧૫ મકાનો ધરાશાયી થયા, જેના કારણે બે લોકોના મોત થયા. વરસાદનો કહેર એવો રહ્યો છે કે દિલ્હી હાઈકોર્ટે પણ સોમવારે ૧૦ જુલાઈના રોજ વકીલોની ગેરહાજરીમાં આદેશ પસાર કરવામાંથી રાહત આપી છે. ટ્રાફિક પોલીસે પણ ત્રણ હજારથી વધુ જવાનોને રસ્તાઓ પર મુક્યા છે. આ દુર્ઘટના જલ્દી અટકવાની નથી. હવામાન વિભાગે આખા અઠવાડિયા સુધી રાજ્યમાં વરસાદની ચેતવણી જારી કરીને યલો એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીને અડીને આવેલા નોઈડામાં ૧૦ થી ૧૨ જુલાઈ સુધી તમામ શાળાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRFને પાણીમાં પ્રવેશ કરવો પડ્યો હતો.

વરસાદના કારણે સર્જાયેલી આફતને ઘટાડવાના પ્રયાસરૂપે કલેકટરે ઈન્ટીગ્રેટેડ કંટ્રોલ કમાન્ડ સેન્ટરની સ્થાપના કરી છે. તેમજ ઈમરજન્સી નંબર (૮૮૨૬૭૯૭૨૪૮) જાહેર કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આજે પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાંથી પસાર થતી યમુના નદીમાં પહેલેથી જ વધારો થઈ રહ્યો છે. યમુનાનગર હાથની કુંડ બેરેજમાં પાણીનું સ્તર હવે ૩ લાખ ૯ હજાર ક્યુસેક પર પહોંચી ગયું છે. યમુના નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. પહાડો પર સતત વરસાદને કારણે પાણીનું સ્તર વધુ વધવાની શક્યતા છે. આવી સ્થિતિમાં દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પણ સંભાવના છે. હિમાચલમાં પણ મેઘ તાંડવ જામ્યું છે ત્યારે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે. આ સાથે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬ લોકોના મોત થયા છે અને ૩ લોકો લાપતા થયા હોવાની માહિતી મળી રહી છે. વરસાદના કારણે સેંકડો લોકો અલગ-અલગ જગ્યાએ ફસાયા છે. છેલ્લા ૧૬ દિવસની વાત કરીએ તો સમગ્ર હિમાચલમાં ૫૪ લોકોના મોત થયા છે અને ચાર લાપતા છે.

જનજીવન સિવાય અન્ય મિલકતોને થયેલા નુકસાનનો હિસાબ કરીએ તો બે દિવસમાં વરસાદને કારણે રાજ્યના PWD વિભાગને જ રૂ.૩૪૦ કરોડનું નુકસાન થયું છે. રાજ્યમાં ૭૭૬ રસ્તાઓ વૃક્ષો પડવાથી અથવા ભૂસ્ખલનને કારણે બ્લોક થઈ ગયા છે. આમાંથી ત્રણ નેશનલ હાઈવે છે.

વરસાદે પંજાબમાં પણ તબાહી મચાવી દીધી હતી અને તે બીજા દિવસે પણ તબાહી મચાવતી રહેવાની ધારણા છે. સ્થિતિ એવી છે કે સરકારે આ આકાશી આફતનો સામનો કરવા માટે ભારતીય સેનાની મદદ લેવી પડી હતી. ગૃહ સચિવે પશ્ચિમી કમાન્ડને પત્ર લખીને મોહાલીની આસપાસના વિસ્તારોમાં સેનાની મદદ કરવા તૈયાર રહેવા વિનંતી કરી છે. મોહાલીની શાળાઓને સોમવારે બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. સોમવારે પણ રાજ્યના તમામ ૧૦ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news