કમોસમી વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધતા ઘઉં, જીરૂ અને ચણાના પાકને થયેલ નુકશાન
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે જનજીવન અને ખેતીને માઠી અસર થઈ રહી છે. ભર શિયાળે તેજ પવનો સાથે વરસાદ પડતા વાતાવરણમાં શિતલહેર છવાઈ જવાથી થરથર કંપાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ માવઠાને પગલે પંથકમાં કપાસ, જીરૂ, સહીતના પાકને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદનો માહોલ છવાયો છે. હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતના વિવિધ શહેરોની સાથે સુરેન્દ્રનગરની જિલ્લામાં પણ ઝરમર વરસાદથી વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. વાદળો ઘેરાતા સુર્યના દર્શન દુર્લભ થયા છે અને વાતાવરણમાં ભેજનુ પ્રમાણ વધ્યું છે. આ માવઠાને કારણે તેમજ ભેજવાળા વાતાવરણને કારણે શિયાળુ પાકને નુકશાન થવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે.
સાયલા પંથકના ખેડૂતોએ વાવેલા કપાસ સહીતના પાકમાં નુકશાન થવાની ભીતી વ્યક્ત કરી છે. કપાસ બળી જવાની ઘટનાઓ પણ બનવા લાગી છે તેમજ ઝાલાવાડના ખેડૂતોએ વાવેલા ઘઉં, જીરૂ, ચણા, તલ જેવા શિયાળુ પાકમાં નુકશાન થવાની સંભાવના વ્યકત કરી છે. બીજી તરફ વાતાવરણ ઠંડુગાર બનતા જનજીવનને પણ માઠી અસર પડી છે. બજારમાં કરફ્યુ જેવો માહોલ જાેવા મળ્યો હતો. બર્ફીલા પવન અને ડબલઋતુને કારણે રોગચાળો ફેલાવાની પણ શક્યતાઓ વધી છે.