રાજ્યમાં સોમવારથી બિપોરજોય ચક્રવાતની અસર શરૂ થવાની સંભાવના, વરસાદ અને વાવાઝોડાની આગાહી
દક્ષિણ-પૂર્વ અરેબિયન સમુદ્રમાં પાંચ જૂનથી સાયક્લોનિક સિસ્ટમ સર્જાવાની શરૂઆત થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સાયક્લોનિક સર્ક્યુલેશન ત્યાર બાદના ૪૮ કલાકમાં લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે. જેના પગલે ગુજરાતમાંથી વિશેષ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ ક્લાકની ગતિએ પવન ફુંકાવાની, જ્યારે કેટલાક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારે પવનની આગાહીને પગલે માછીમારોને આગામી સમયમાં ૭ જૂન સુધી જખૌ, કચ્છના માંડવી, મુન્દ્રા, કંડલા નવલખી, જામનગર, સાયલા ઓખા, પોરબંદરના માછીમારોને દરિયો નહીં ખેડવા તાકીદ કરવામાં આવી છે.
ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયુ છે. અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે. જેના પગલે તાપમાન નીચુ હોવા છતા અસહ્ય બફારાનો અહેસાસ થઈ રહ્યો છે. વધતા બફારાને કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. હજુ આગામી પાંચ દિવસ બફારામાં ઘટાડો થવાની સંભાવના નહિવત્ત છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અરેબિયન સમુદ્રમાં પાંચ જૂનની આસપાસ સાયક્લોન ત્રાટક્યું છે. આ સાયક્લોનને બિપોરજોય નામ અપાયું છે. જો કે, આ ચક્રવાતની તીવ્રતા કેટલી રહેશે તે હાલમાં કહેવુ મુશ્કેલ છે.હાલની સ્થિતિએ ચક્રવાતની તીવ્રતા ઘણી વધારે રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ૯ જૂનના આ ચક્રવાત વધારે ગતિ પકડી શકે છે અને તેનાથી ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફુંકાઈ શકે છે.
હવામાન વિભાગના મતે સાયક્લોનિક સિસ્ટમની તીવ્રતા ઉપર બધો જ આધાર છે. હાલમાં ચક્રવાતનું મોડેલ વિવિધ સ્થિતિ દર્શાવી રહ્યુ છે. આ ચક્રવાત ન સર્જાય અને તે ગતિ પકડે તો નેઋત્યના ચોમાસાની ગતિ ઉપર પણ અસર પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગના મતે સાયક્લોનથી ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડવાની સંભાવના છે. ૫ જૂને બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, ડાંગ, તાપી, ભાવનગરમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે. જ્યારે આગામી દિવસોમાં બનાસકાંઠા. સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જામનગર, દ્વારકા, આણંદ, ડાંગ અને તાપીમાં ૪૦થી ૫૦ કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.