ઉત્તરાખંડના જોશીમઠના ૯ વિસ્તારના ૬૦૩ મકાનોમાં તિરાડ, ૪૩ પરિવારોને શિફ્ટ કરાયા

ઉત્તરાખંડનું જોશીમઠ શહેર એક મોટી કુદરતી આપદાનો સામનો કરી રહ્યું છે. એક રીતે શહેર જમીનમાં ધસી રહ્યું છે. મકાનો જોખમી સ્થિતિમાં હોવાથી લોકો પલાયન કરવા મજબૂર બન્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. ઉત્તરાખંડનું યાત્રાધામ જોશીમઠ સંકટમાં છે. કુદરત અહીંના લોકોને ડરાવી રહી છે. ક્યારે શું થશે, તેની આશંકામાં લોકો રાત્રે સૂઈ નથી શકતા. સંભવિત આપદાથી જીવ બચાવવા લોકોએ સ્થળાંતરનો માર્ગ લેવાની પણ ફરજ પડી છે. જમીનોના અને મકાનોમાં તિરાડો સતત પહોળી થઈ રહી છે. જમીનમાંથી જ્યાં ત્યાં પાણીનાં ઝરા નીકળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી પરિસ્થિતિ વધુ વિકટ બની છે. મકાનો ધસી રહ્યા છે. જમીનના પેટાળમાંથી ભેદી અવાજ સંભળાય છે. અત્યાર સુધી ૬૦૦થી વધુ મકાનોમાં તિરાડો અને જમીન ધસી પડવાની ઘટનાઓ સામે આવી છે. જેનાથી લોકો ભયભીય બન્યા છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ શનિવારે જોશીમઠનું નિરીક્ષણ કર્યું. તેમણે હવાઈ માર્ગે અને શહેરની સ્થિતિનો તાગ મેળવ્યો, ત્યારબાદ શહેરમાં જઈને લોકો સાથે પ્રત્યક્ષ રીતે સ્થિતિને નિહાળી હતી. તેઓ અસરગ્રસ્તોને પણ મળ્યા. તેમણે તમામ જરૂરી કામગીરી કરવાની ખાતરી આપી છે. હકીકતમાં મિશ્રા આયોગની રિપોર્ટમાં ૧૯૭૬ માં કહેવાયુ હતું કે, જોશીમઠના મૂળમાં અખતરા કરવાથી ખતરો આવશે. આ આયોગ દ્વારા જોશીમઠનું સર્વેક્ષણ કરવામાં આવ્યુ હતું. જેમાં જોશીમઠને એક મોરેનમાં વસાયેલુ જણાવ્યુ હતું, જે અતિ સંવેદનશીલ માનવામા આવે છે. રિપોર્ટમાં જોશીમઠના નીચેના મૂળથી જોડાયેલી પહાડી પત્થરો સાથે છેડખાની ન કરવા માટે કહેવાયુ હતું. તેમજ અહીંના નિર્માણને પણ સમિતિના દાયરામાં સમેટવાની અરજી કરાઈ હતી, પરંતુ આયોગની રિપોર્ટ લાગુ થઈ શકી ન હતી. જોશીમઠમાં ૭૦ ના દાયકામાં ચમોલીમાં આવેલ ભીષણ તબાહી બેલાકુચી પૂર બાદથી સતત ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ચમોલી યુપીનો ભાગ હતો. જમીન ખસી જવાની ઘટનાઓ સામે આવ્યા બાદ યુપી સરકારે ગઢવાલ કમિશનર મુકેશ મિશ્રાને આયોગ બનાવવા માટે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ૧૯૭૫ માં ગઢવાલ કમિશનર મુકેશ મિશ્રાએ એક આયોગની નિમણૂંક કરી હતી. જેને મિશ્રા આયોગ કહેવાય છે. તેમાં ભૂ-વૈજ્ઞાનિક, એન્જિનિયર, મેનેજમેન્ટના અનેક અધિકારીઓને સામેલ કરવામા આવ્યા હતા. એક વર્ષા બાદ આ આયોગે પોતાની રિપોર્ટ સરકારમાં સોંપી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે, જોશીમઠ એક રેતાળ પહાડી પર સ્થિત છે.

જોશીમઠની તળેટીમાં કોઈ પણ કામ કરવામાં ન આવે. બ્લાસ્ટ, ખનન તમામ વાતોનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યુ હતું કે, મોટા મોટા નિર્માણ કે ખનન ન કરવામાં આવે. અલકનંદા નદીના કિનારે સુરક્ષા વોલ બનાવવામાં આવે. અહીં વહેતા નાળાને સુરક્ષિત કરવામાં આવે. પરંતું રિપોર્ટને સરકારે કોરાણે મૂકી હતી. જેનુ પરિણામ આજે સૌની સામે છે.  ઉત્તરાખંડ સરકારનું માનીએ તો અત્યાર સુધી જોશીમઠના ૯ વિસ્તારના ૬૦૩ મકાનોમાં તિરાડ પડી છે. ૪૩ પરિવારોને શિફ્ટ કરવામાં આવ્યા છે. પ્રભાવિતો માટે બે હજાર ફેબ્રિકેટેડ મકાન બનાવવામાં આવશે. પ્રભાવિત પરિવારોને ૬ મહિના સુધી દર મહિને ૬૦૦૦ રૂપિયા આપવામાં આવશે. જોશીમઠના સંકટ મામલે કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયે એક કમિટી બનાવી છે, જે ૩ દિવસમાં રિપોર્ટ સોંપશે. જોશીમઠ જેના કારણે દુનિયાભરમાં જાણીતું છે, તે આદિ ગુરુ શંકરાચાર્યના મઠ પર પણ જોખમ તોળાય છે. હજારો વર્ષ જૂના માધવ આશ્રમ મંદિરના શિવલિંગ પણ તિરાડો પડી હોવાનો દાવો કરાયો છે.

ઉત્તરાખંડના જોશીમઠ પરનું સંકટ કેટલું મોટું છે તેની સાબિતી માટે સામે આવેલા દ્રશ્યો પૂરતા છે. ૨ હોટલ એકબીજા સાથે જોડાઈ ગઈ છે. પહેલાં બંને ઈમારતો વચ્ચે ઘણું અંતર હતું… ઈમારત નમી પડતાં હોટલને ખાલી કરી દેવામાં આવી છે. હોટલના રૂમોમાં મોટી તિરાડો પડી જતાં હોટલના સંચાલકો ઈમારતો ખાલી કરી રહ્યા છે. પ્રવાસનના સમયમાં હોટેલ્સમાં બુકિંગ ફુલ હતું. જો કે હવે જે પરિસ્થિતિ સર્જાઈ છે, તેને જોતાં બુકિંગ કેન્સલ કરવામાં આવ્યા છે. કેમ કે હોટેલનાં સ્ટાફ અને પર્યટકોની સલામતી જરૂરી છે.

સ્થાનિકોનો દાવો છે કે NTPC ની તપોવન-વિષ્ણુપ્રયાગ જળવિદ્યુત પરિયોજનાને કારણે જોશીમઠમાં આ સ્થિતિ સર્જાઈ છે, આ માટે કંપનીએ સુરંગ ખોદતા આ ભયાવહ સ્થિતિ સર્જાઈ રહી છે. જેને જોતાં અગાઉ લોકોએ કંપની સામે વિરોધ પણ કર્યો હતો. ઐતિહાસિક અને પૌરાણિક નગર જોશીમઠ હાલ જોખમમાં છે. શહેર જમીનમાં સમાઈ રહ્યું છે. આ સંકટ આગળ જતાં શું સ્વરૂપ ધારણ કરે છે, તે જોવું રહેશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news