કોવિશિલ્ડ, કોવેકસીન બાદ ‘સ્પુતનિક વી’ વેકસીન મળવાની શરૂઆત થઈ
અમદાવાદમાં કોવિશિલ્ડ, કોવેકસીન બાદ હવે ‘સ્પુતનિક વી’ વેકસીન મળવાની શરૂઆત થઈ છે. ૧૧૪૫ રૂપિયામાં (મૂળ કિંમત ૯૯૫ હેન્ડલિંગ ચાર્જ ૧૫૦) ‘સ્પુતનિક વી’ વેકસીનના ડોઝ ક્રિષ્ના શેલબી હોસ્પિટલ દ્વારા આપવાની શરૂઆત કરાઈ છે. અત્યારે ક્રિષ્ના શેલબી હોસ્પિટલમાં ‘સ્પુતનિક વી’ વેકસીનના ૬૦૦ ડોઝ આવ્યા છે જેમાંથી ૨૦૦ જેટલા વેકસીનના ડોઝ લગાવવામાં આવ્યા.
અમદાવાદ માટે ૨૮,૮૦૦ જ્યારે સમગ્ર રાજ્ય માટે ૪૦,૦૦૦ ‘સ્પુતનિક વી’ વેકસીનના ડોઝ શેલબી ગ્રૂપ તરફથી ખરીદવામાં આવ્યા છે. ગુજરાત સિવાય અલગ-અલગ રાજ્યમાં આવેલી શેલબી હોસ્પિટલ માટે કુલ મળીને ૮૨,૮૦૦ ડોઝની ખરીદી કરાઈ છે. ૧૫ દિવસ બાદ ‘સ્પુતનિક વી’ વેકસીનનો બીજો ડોઝ શેલબી હોસ્પિટલમાં પહોંચશે. આગામી ત્રણ દિવસમાં ગુજરાતની તમામ ૬ શેલબી હોસ્પિટલમાં ‘સ્પુતનિક વી’ વેકસીનના ડોઝ આપવાની શરૂઆત થશે.
શેલબી ગ્રૂપ દ્વારા ગુજરાતની ૬ હોસ્પિટલ સિવાય જબલપુર, જયપુર, ઇન્દોર, મોહાલી અને મુંબઈમાં આવેલી હોસ્પિટલમાં પણ ‘સ્પુતનિક વી’ વેકસીનના ડોઝ આપવામાં આવશે. ‘સ્પુતનિક વી’ વેકસીન લેવા ઇચ્છુક લોકો ઓન સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી વેકસીન મેળવી શકે છે આ સિવાય કોવિન એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન મારફતે પણ વેકસીનનો ડોઝ મેળવી શકશે.
પ્રથમ ડોઝ ૧૧૪૫ રૂપિયામાં લીધાના ૨૧ દિવસ બાદ ફરી ૧૧૪૫ રૂપિયા ચૂકવીને બીજો ડોઝ લેવાનો રહેશે. માઇનસ ૨૦ ડીગ્રી પર ‘સ્પુતનિક વી’ વેકસીનને રાખવાની જરૂરિયાત રહે છે. સવારે ૯ વાગ્યાથી સાંજે ૯ વાગ્યા સુધી ક્રિષ્ના શેલબી હોસ્પિટલમાં ‘સ્પુતનિક વી’ વેકસીનનો ડોઝ ઇચ્છુક લોકો મેળવી શકશે.