‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ની જાહેરાત કરતા કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

ગાંધીનગર ખાતેથી ‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ની જાહેરાત કરતા કુટીર
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત : રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ

  • કારીગરો પોતાની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએથી વેચાણ કરી શકે તે માટે સુરતની જેમ આગામી સમયમાં રાજકોટ અને વડોદરામાં પણ ‘યુનિટી મોલ’ શરૂ કરવામાં આવશે
  • આ વર્ષે અંદાજિત ૧૫૦ જેટલાં મેળાઓ મારફતે કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજોના વેચાણમાં વધારો થાય તેવી વ્યવસ્થા
  • “વન ડીસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ” ઉત્પાદન માટે નવા કારીગરોને જોડવા, ઈકોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ માટે સહાય તથા ઉત્પાદનને વૈશ્વિક બજાર મળી રહે તે માટે પ્રોત્સાહન

ગાંધીનગર: કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા)ની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતેથી ‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’નું વિમોચન- જાહેરાત કરવામાં આવી છે.

કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા છેવાડાના સામાન્ય માનવીને કેન્દ્રસ્થાને રાખીને નવી નીતિ બનાવે છે. નવી નીતિમાં સામાન્ય વ્યક્તિને વધુમાં વધુ ફાયદો થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

મંત્રી બલવંતસિંહ  રાજપૂતે નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ–૨૦૨૪ની વિગતો આપતા કહ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં આ ક્ષેત્રે ૮.૭૫ લાખ જેટલી નવી રોજગારીનું સર્જન થયું, જેને આગામી સમયમાં ૧૨ લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ લોનની મર્યાદા રૂ. ૮ લાખથી વધારીને રૂ. ૨૫ લાખ અને સબસિડીની મર્યાદા રૂ. ૧.૨૫ લાખથી વધારીને રૂ. ૩.૭૫ લાખ કરાઈ છે. આ પ્રકારની અનેક યોજનાઓમાં કારીગર ભાઈઓ અને બહેનોને ફાયદો થાય તેની રાજ્ય સરકાર દ્વારા સતત ચિંતા કરવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મોટા સાથે નાના ઉદ્યોગોના કારીગરોને ફાયદો થાય તેવી વ્યવસ્થા શરૂ કરી છે. આ વર્ષે અંદાજિત ૧૫૦ જેટલાં મેળાઓ મારફતે કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજોના વેચાણમાં વધારો થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં સુરતમાં શરૂ કરાયેલ ‘યુનિટી મોલ’ની જેમ રાજકોટ અને વડોદરા જેવા વિવિધ શહેરોમાં કારીગરો પોતાની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએથી વેચાણ કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્ય સરકાર લુપ્ત થતી કળાઓ માટે રૂ. ૭૦,૦૦૦ની સહાય અને પ્રોટોટાઈપ માટે મહતમ રૂ. ૨૦,૦૦૦ સહાય આપશે.

આજે ગુજરાતનું વિકાસ મોડેલ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે, ત્યારે રાજ્યના કારીગરો પાછળ ન રહી જાય તેની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ચિંતા કરે છે. રાજ્ય સરકાર દ્વારા “વન ડીસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ” ઉત્પાદન માટે નવા કારીગરોને જોડવાનું, ઈકોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ માટે સહાય તથા ઉત્પાદનને વૈશ્વિક બજાર મળી રહે તે માટે પ્રોત્સાહન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ, મંત્રી શ્રી રાજપૂતે ઉમેર્યું હતું.

કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં છેવાડાના માનવીને રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકારે અનેકવિધ નવા પ્રકલ્પો શરૂ કર્યા છે. રાજ્યનો નાનામાં નાનો વ્યક્તિ પણ પોતાની કલા-કારીગરી બહાર લાવી અને સારી ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ બનાવી તેને રજૂ કરી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા આ કારીગરોની પ્રોડક્ટ્સને તાલુકા કે જિલ્લા પૂરતી નહીં પરતું આખા રાજ્યમાં તથા દેશ વિદેશમાં વેચાણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

મંત્રી વિશ્વકર્માએ કહ્યું હતું કે, આ કારીગરોની ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ ઝડપથી અને સહેલાઈથી મળી રહે તે માટે ઓનલાઈન નોંધણી કરવામાં આવે છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર પાંચ હજાર કરતા વધારે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે તથા હજુ વધુ રજીસ્ટ્રેશન થાય તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનથી કારીગરો તેમની પ્રોડક્ટ્સનું ઘરે બેઠા દેશ-વિદેશમાં વેચાણ કરી શકાશે.

રાજ્ય સરકારના સહયોગથી NID અને NIFT જેવી સંસ્થાઓ દ્વારા કારીગરોને તાલીમ પણ આપવામાં આવે છે, જેથી તેમની પ્રોડક્ટ્સ ઉચ્ચ ગુણવક્તાયુક્ત બનશે અને આ પ્રોડક્ટ્સ ખરીદવા પર ગ્રાહકોનો વિશ્વાસ વધશે. ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા આવનાર સમયમાં કોર્પોરેટ કંપનીઓને કારીગરો દ્વારા બનવવામાં આવતી વિવિધ પ્રોડક્ટ્સની વિસ્તૃત માહિતી સાથેનું કેટેલોગ બનાવવામાં આવશે, જેથી વધુમાં વધુ પ્રોડક્ટ્સ વહેંચી શકાય જેથી કારીગરોને સારો ફાયદો થઈ શકે તેમ, તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત મહાનુભાવોના હસ્તે વર્ષ ૨૦૨૩ના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિવિધ ૧૧ કારીગરોને પુરસ્કાર-રોકડ ઈનામ આપીને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત નવીન પહેલના ભાગરૂપે ‘યુનિટી બેન્ડ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને અનુસરીને સુરત ખાતે તૈયાર કરાયેલ પી.એમ. એકતા મોલની વિગતો દર્શાવતી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.

હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ ઉત્પાદનોની પ્રદર્શની યોજવામાં આવી હતી, જેની મંત્રીશ્રીઓ સહિત મહાનુભાવોએ મુલાકાત લઈને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના સચિવ પ્રવીણ કુમાર સોલંકી દ્વારા સ્વાગત તેમજ ઇન્ડેક્ષ-સીના કાર્યવાહક નિયામક એન.ડી.પરમાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે કામ કરતા કારીગરો ઉપસ્થિત રહ્યા હતા.

જનક દેસાઈ
/જીગર બારોટ
……………

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news