કાશ્મીરમાં ઠંડીએ ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો, શ્રીનગર માઇનસ ૬.૪ ડિગ્રીએ થથરી ગયું

રાજસ્થાન સહિતના પાંચ મેદાની રાજ્યોમાં ગંભીર શીતલહેર : હવામાન વિભાગ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાશ્મીરની પર્વતમાળાઓમાં ભારે હિમવર્ષાના પગલે કાશ્મીર ખીણમાં ડિસેમ્બર મહિનામાં પડતી ઠંડીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં માઇનસ ૬.૪ ડિગ્રી તાપમાન સાથે છેલ્લા ૧૦ વર્ષની ડિસેમ્બરની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. શ્રીનગરમાં બુધવારનું મહત્તમ તાપમાન ૩ ડિગ્રી નોંધાયું હતું. લદ્દાખના દ્રાસમાં માઇનસ ૨૬.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જ્યારે લદ્દાખમાં માઇનસ ૧૬.૧ અને કારગિલમાં માઇનસ ૧૬.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કાશ્મીરના સ્કી રિસોર્ટ ગણાતા ગુલમર્ગમાં માઇનસ ૧૧, પહેલગામમાં માઇનસ ૮.૯, કાઝિગુંડમાં માઇનસ ૪.૯, કુપવાડામાં માઇનસ ૫.૮, કોકરનાગમાં માઇનસ ૪.૮, સોનમર્ગમાં માઇનસ ૭.૧, અનંતનાગમાં માઇનસ ૬.૦ અને શોપિયાંમાં માઇનસ ૮.૪ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

કાતિલ ઠંડીના કારણે કાશ્મીરનું વિશ્વવિખ્યાત દાલ સરોવર થીજવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કાશ્મીર ખીણમાં સંખ્યાબંધ સ્થળે સબઝીરો તાપમાનના કારણે નદી-નાળા થીજી ગયાં છે. શ્રીનગરમાં ગુરુવારે સવારે પાણીની પાઇપલાઇનો પણ ચોકઅપ થઈ ગઈ હતી. હિમાલયના રાજ્યોની સાથે સાથે ઉત્તરભારતના મેદાની રાજ્યોમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. રાજસ્થાનના સીકરમાં ગુરુવારે લઘુતમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી નીચે ૦.૫ ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાનના ૧૮ શહેરોમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ચાલ્યું હતું.

પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, દિલ્હી સહિતના મેદાની રાજ્યોમાં ઠંડીનો પારો સામાન્યથી પાંચ ડિગ્રી ઓછો નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગના કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમી હિમાલયમાં ભારે હિમવર્ષા થઈ છે. તેના કારણે કાતિલ ઠંડા પવનો મેદાની વિસ્તારો તરફ વહેતાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. પશ્ચિમ રાજસ્થાનમાં ગંભીર શીતલહેર વ્યાપી છે. રાજસ્થાનના અન્ય વિસ્તારોમાં કોલ્ડવેવ ચાલી રહ્યો છે. હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને પંજાબમાં પણ શીતલહેર ચાલી રહી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news