કચ્છના નલિયામાં ઠંડીનો પારો ૫.૮ ડિગ્રીએ પહોંચ્યો
કચ્છ જિલ્લામાં ઠંડીનું જોર વધતા જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને શ્રમ એરિયામાં હંગામી આવાસમાં રહેતા પરિવારો ટાઢમાં ઠુંઠવાઈ ગયા હતા. લોકો વહેલી સવારે ગરમ તાપણું કરી ઠંડીથી બચવાના પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
નોંધનીય છે કે મંગળવારે ભુજ શહેરમાં પણ ભારે ઠંડીનો અહેસાસ શહેરીજનોને થઈ રહ્યો છે. અહીં ૧૦ ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું છે. કંડલામાં ૧૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે હજુ બે દિવસ સુધી ઠંડીનું જોર વધવાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.
કચ્છની સરહદે ઉપર તરફ આવેલા નલિયામાં પણ ઠંડીનો માહોલ કચ્છ જિલ્લામાં વધુ જોવા મળતો હોય છે. જ્યાં આજે મંગળવારે શીત લહેરની સાથે ઠંડીનો પારો ગગડીને ૫.૮ ડિગ્રીએ પહોંચી જવા પામ્યો હતો. જેને લઈ નલિયા ફરી રાજ્યનું સૌથી વધુ ઠંડી ધરાવતું શીત મથક જાહેર થયું હતું. જો કે આ વર્ષે સિઝનની સૌથી વધુ ઠંડી ગત ૧૬ જાન્યુઆરીના ૩.૮ ડિગ્રી પણ નલિયામાં રહી હતી.