આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ આપવા અને પર્યાવરણ સાથે સંતુલન દ્વારા ગ્રીન ગ્રોથ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન
૭૪મા વન મહોત્સવનો આદિજાતિ વિસ્તાર પંચમહાલના જેપુરા-પાવાગઢથી મુખ્યમંત્રી કરાવ્યો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૪મા વન મહોત્સવનો પંચમહાલના જેપુરા-પાવાગઢથી પ્રારંભ કરાવતા રાજ્યને પર્યાવરણ પ્રિય વાતાવરણ નિર્માણની વધુ એક ભેટ વન કવચ લોકાર્પણથી આપી છે.રાજ્યની આબોહવા અને માટીની ફળદ્રુપતા ધ્યાને લઈ વૃક્ષોનાં વાવેતર દ્વારા વન કવચ વિકસાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રેરણા આપેલી છે. આ સંદર્ભમાં રાજ્યના વન વિભાગે તૈયાર કરેલા બીજા વન કવચનું ૭૪માં વન મહોત્સવ પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વન કવચ ૧.૧ હેક્ટર વિસ્તારમાં ૧૧,૦૦૦ રોપાઓનાં ઉછેર સાથે નિર્માણ પામ્યું છે.
એટલું જ નહિ, આ વન કવચની વિશેષતા છે કે, વિવિધ છોડની ૧૦૦ જેટલી પ્રજાતિઓ અહીં વન વિભાગ દ્વારા ઉછેરવામાં આવી છે તેની સાથે બીજી ૧૦૦ જેટલી પ્રજાતિઓ કુદરતી રીતે આપોઆપ ઊગી નીકળી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વન કવચનાં લોકાર્પણ સાથે દેવભુમિ-દ્વારકા જિલ્લામાં હરસિદ્ધમાતા તીર્થ ક્ષેત્ર ખાતે નિર્માણ થનારાં રાજ્યનાં ૨૩મા સાંસ્કૃતિક વન હરસિદ્ધ વનનું ઈ-ખાતમુહૂર્ત પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ આવનારી પેઢીઓને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા તેમજ શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા માટે પર્યાવરણ સાથે સંતુલન જાળવીને ગ્રીન ગ્રોથથી વિકાસનું આહવાન કર્યું હતું.
તેમણે કહ્યું કે પર્યાવરણ સાથે સમન્વય સાધીને વિકાસનો વિચાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલો છે. મિશન લાઈફ અન્વયે આપણા રોજબરોજનાં જીવનમાં પર્યાવરણ જાળવણી, જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવા પ્રાકૃતિક ખેતીનો નવતર વિચાર જેવા અભિગમોથી, વડાપ્રધાન એ સ્વાસ્થ્યપ્રદ જીવનનો માર્ગ બતાવ્યો છે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આખી દુનિયા આજે ગ્લોબલ વોર્મિંગનાં સંકટ સામે ઝઝૂમી રહી છે ત્યારે આપણાં વિઝનરી નેતા વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીએ આ સમસ્યાનાં સમાધાન માટે પહેલેથી જ આયોજન કરીને ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગની રચના કરી, ગ્લોબલ વોર્મિંગનાં સંકટ સામે તારણોપાય શોધ્યાં છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકારે પણ ‘વન કવચ’ દ્વારા ગ્રીન કવર વધારવાનો અને ખુલ્લી જમીનમાં વૃક્ષ વાવેતરનો સફળ સેવાયજ્ઞ ઉપાડ્યો છે. આના પરિણામે મોટાપાયે વૃક્ષોનો ઉછેર થતાં માત્ર માનવ સૃષ્ટિ જ નહીં પરંતુ પશુ-પક્ષીઓને પણ શુદ્ધ વાતાવરણ મળી રહેશે.
આ વર્ષે વન-મહોત્સવ અન્વયે ૧૦.૪૦ કરોડ રોપાઓનાં વિતરણની તેમજ રાજ્યનાં બધાં જ જિલ્લાઓમાં ૧૦૦ હેક્ટર વિસ્તારમાં ૮૫ સ્થળોએ વન કવચ વિકસાવવાની કામગીરીની ભૂમિકા તેમણે આપી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં અમૃતકાળમાં પાંચ સંકલ્પો આપ્યાં છે તેમાંનો એક સંકલ્પ વિકસિત ભારતનાં નિર્માણનો છે. વિકસિત ભારતનું નિર્માણ આવનારી પેઢીને શુદ્ધ હવા-પાણી અને પ્રદૂષણ મુક્ત જીવન આપીને જ થઈ શકે.
મુખ્યમંત્રી એ પર્યાવરણ પ્રિય ગ્રીન-ક્લીન ગુજરાત, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરને સઘન બનાવવા જનશક્તિ અને સમાજશક્તિને આ તકે અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વનમંત્રી મૂળુભાઈ બેરા, રાજ્યમંત્રી મુકેશ પટેલ, પંચમહાલ જિલ્લા પ્રભારી અને શિક્ષણ તથા આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તેમજ જિલ્લાનાં ધારાસભ્ય ઓ સાંસદ ઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ક્રોકોડાઈલ રેસ્ક્યુ સેન્ટર-પાવાગઢ, કાકજ એનિમલ કેર સેન્ટર પાલિતાણા, વરુ સોફ્ટ રીલીઝ સેન્ટર નડાબેટનાં ઈ-લોકાર્પણ તેમજ દીપડા વસ્તી ગણતરી પુસ્તિકા વિમોચન અને સહભાગી વન વ્યવસ્થા મંડળીઓને સહાય લાભ ચેક વિતરણ કર્યા હતા.
વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઇ બેરાએ રાજ્યમાં વન વિસ્તારની વૃધ્ધિ અને પર્યાવરણ સંરક્ષણ માટે લેવાયેલાં પગલાંની ભૂમિકા આપતા કહ્યું કે, ગુજરાતમાં સંતુલિત વિકાસ થઈ રહ્યો છે.છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં વન વિસ્તારમાં વૃધ્ધિ થઈ હોવાનું ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના રેકોર્ડમાં જાહેર થયું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ સંરક્ષણ માટે કંડારેલી કેડી પર આગળ ચાલી ગુજરાતમાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ થઈ રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા હરિત વસુંધરા યોજના અંતર્ગત વન કવચોનું મિયાવાકી પદ્ધતિથી નિર્માણ થઈ રહ્યું છે. રાજ્યમાં ૧૦૦ હેકટર જમીનમાં ૮૫ વન કવચો બનાવવાનું આયોજન છે. દરિયાઈ જીવ સૃષ્ટિના વિકાસ અને જતન માટે ચેરનાં વૃક્ષોનું વાવેતર,નમો વડ રોપાઓનું વિતરણ,અર્બન ફોરેસ્ટ જેવાં અભિયાનોથી પર્યાવરણનું જતન કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે.
શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરે આદિવાસી અસ્મિતાને યાદ કરતા જણાવ્યું હતું કે,તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ ગુજરાતમાં કલાઈમેટ ચેન્જનો વિભાગ શરૂ કર્યો હતો. વડાપ્રધાન એ માનગઢ અને પાવાગઢને પર્યાવરણનાં સંતુલન માટે વનોની ભેટ આપી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ક્લીન ગુજરાત,ગ્રીન ગુજરાતને આગળ વધારી રહ્યા છે. તેમણે કહ્યું કે,પર્યાવરણ સલામત હશે,વૃક્ષો જીવિત હશે તો સૃષ્ટિ ટકી રહેશે.ઉદ્યોગો દ્વારા પર્યાવરણ પર વિપરીત અસર થાય છે, જેના માટે પર્યાવરણનું સંરક્ષણ કરવું અનિવાર્ય બન્યું છે. આજે ૯૨ લાખ આદિવાસી લોકોને જંગલ થકી રોજગારી મળી રહે છે.
તેમણે ઉમાંશકર જોશીની પંક્તિ “વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,પશુ છે,પંખી છે,પુષ્પો વનોની છે વનસ્પતિ;વીંધાય છે પુષ્પ અનેક બાગનાં” પંક્તિનો મહિમા જણાવતા કહ્યું કે, આજે ગુજરાતમાં ધાર્મિક વન, સ્મૃતિ વન, નમો વન સહિત સામાજિક વનીકરણની ઝુંબેશ અને નવા સંકલ્પ સાથે રોજિંદા જીવનમાં પાણી અને વૃક્ષોને બચાવીએ,પ્લાસ્ટિક ફ્રી તરફ આગળ વધીએ તથા સંસ્કૃતિ અને વન્યજીવોનું રક્ષણ કરીએ. આ સાથે દરેક વ્યક્તિ, એક વૃક્ષનું વાવેતર કરે અને તેનો ઉછેર કરે તેવો સંકલ્પ લેવા અપીલ કરી હતી.
રાજ્યકક્ષાના વન મંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું કે, આગામી ૫ તારીખે સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લા,૨૫૫ તાલુકા અને ૫૫૦૦ ગામોમાં વન મહોત્સવની ઉજવણી કરાશે. તેમણે જન્મ દિવસ અને સ્મશાન ગૃહોમાં મૃત્યુ સમયે દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવેતર કરે તેવું આહવાન કર્યું હતું. આજે ડ્રોન ટેકનોલોજી થકી દુર્ગમ વિસ્તારોમાં બીજના છંટકાવ, સિડ બોલના વિતરણ થકી વન વિસ્તારને વધારવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે.
આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી, ધારાસભ્ય સી. કે. રાઉલજી, જયદ્રથસિંહ પરમાર, ફતેસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર, અગ્રણી અશ્વિનભાઇ પટેલ, ડૉ. ભરતભાઇ ડાંગર, જાંબુઘોડાના રાજવી પરિવારના વિક્રમસિંહ, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, કલેક્ટર આશિષકુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ એસ કે ચતુર્વેદી, જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. બારીયા,જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,વડોદરા વિભાગના મુખ્ય વન સંરક્ષક અંશુમન સહિતના વન વિભાગના ઉચ્ચ અધિકારી ઓ અને બહોળી સંખ્યામાં પંચમહાલ જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.