વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને ટ્રેડ શોની આખરી તૈયારીઓની સ્થળ પર સમીક્ષા કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગાંધીનગરઃ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર અને હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારા કાર્યક્રમો અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની અંતિમ તબક્કા ની પૂર્વ તૈયારીઓની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે સ્થળ મુલાકાત કરીને સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટટેલે આ દરમિયાન ઉદઘાટન સમારોહના હોલ, સેમિનાર હોલ, વિવિધ પેવેલિયન- હોલની રૂબરૂ મુલાકાત કરીને તલસ્પર્શી વિગતો મેળવી હતી તેમજ જરૂરી સૂચનો કર્યા હતા.
આ મુલાકાત વેળાએ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય અગ્ર સલાહકાર ડો. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશપુરી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર, ટેકનિકલ શિક્ષણ કમિશનર બંછાનિધિ પાની સહિત ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.